ટંકારા પંથકમાં મેઘકહેરથી ભારે તારાજી : સેંકડો લોકોની ઘરવખરીનો નાશ, ખેતરો ધોવાયા

12 થી વધુ પશુઓના મોત : હજારો લોકોને રેસ્કયુ કરાયા : તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશનમા પણ પાણી ભરાયા ‘ તા

ટંકારા : ટંકારા પંથકમાં બે દિવસની મેઘકહેરથી ભારે તારાજી સર્જાઈ છે. સેંકડો મકાનોમાં પાણી ઘુસી જતા ઘરવખરીનો નાશ થયો હતો. પુરમાં તણાવાથી અનેક પશુઓના મોત પણ નિપજયા હતા. ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા હતા. ઉપરાંત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશનમા પણ પાણી ભરાયા હતા.

ટંકારા પંથક માટે દર ચોમાસુ કપરું સાબિત થઈ રહ્યું છે. આ ચોમાસે પણ ગત શુક્રવાર અને શનિવારના રોજ આકાશી આફતના કારણે જનજીવન ઘરોમાં કેદ થયું હતું. આ દરમિયાન સેંકડો ઘરોમાં પાણી ભરાયા હતા. જેથી ઘરવખરી પલળીને નાશ પામી હતી. બાદમાં પાણી ઓસરતા બજારોમાં હટાણું કરવા માટે ભીડ પણ જામી હતી. આ ઉપરાંત ધૂનડામાં પુરમાં તણાઇ જવાથી 11થી વધુ ઘેટા બકરાના મોત નિપજયા હતા. જ્યારે કલ્યાણપુર ગામે એક ગાયનું પણ મોત નીપજ્યું હતું.

પુરની સ્થિતિ દરમિયાન વીજ પુરવઠાને પણ ભારે અસર પહોંચી હતી. અનેક પોલ અને વીજ વાયરો તૂટી ગયા જતા. જો કે વિજતંત્રએ રાઉન્ડ ધ કલોક કામગીરી કરીને અથાગ પરિશ્રમ પણ હાથ ધર્યો હતો. વધુમાં જે 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેની ઘરવખરી પણ સંપૂર્ણ પણે નાશ પામી હતી. આજ રીતે ખાખરા ગામને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેઓના ઘરોમાં પણ તમામ સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું.

પંથકના રોડ રસ્તાઓને પણ ભારે અસર પહોંચી હતી. જામનગર રોડ ચાર કલાક જેટલો સમય બંધ રહ્યો હતો. ત્રિવેણી સંગમ અને રોહિશાળા નજીકનો પુલ પણ તૂટ્યો હતો. આ આકાશી આફત દરમિયાન પરિવહનને પણ ભારે અસર પહોંચી હતી. ટંકારા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

કુદરતી આફતના આ કપરા સમયે તંત્ર દ્વારા પણ દિવસ રાત જોયા વગર બચાવ કામગીરી કરવામા આવી હતી. જે લોકો પાણીમાં ફસાયા હતા. તેઓ માટે ખાખી પહેરીને આવેલા જવાનો કોઈ ભગવાનના દૂતથી ઓછા ન હોય તેવી સ્થિતિ જન્મી હતી.