માળિયાના રણકાંઠાનો મીઠા ઉદ્યોગ તબાહ : પુરમાં તણાયેલા બે યુવકો માંથી એકનું મોત, એક હજુ લાપતા

ઘાટીલા નજીક કોઝવેમાં તણાયેલા ભરવાડ યુવાનની પણ લાશ મળી

માળિયામાં 1 લાખ ટન મીઠાનું ધોવાણ થયુ, મીઠા ઉદ્યોગને કુલ રૂ. 6 કરોડનું નુકશાન, નવલખી – ભાવપર વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો : અનેક ગામડાઓમાં તારાજી

માળિયા : માળિયા પંથકમા પડેલા ભારે વરસાદને પગલે મીઠા ઉદ્યોગ તબાહ થઈ ગયો છે. મીઠા ઉદ્યોગને કુલ રૂ. 6 કરોડની નુકશાની પહોંચી હોવાના અહેવાલો મળ્યા છે.જયારે નવલખી -દહિસરા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો હતો। વધુમાં પંથકમાં 8 લોકો તણાયા હતા. જેમાંથી છ નો હેમખેમ બચાવ થયો હતો. એકની લાશ મળી આવી છે. જ્યારે એક હજુ લાપતા હોવાનું મામલતદારે જણાવ્યું હતું. જયારે ઘાટીલા નજીક ગઈકાલે કોઝવેમાં તણાયેલા ભરવાડ યુવાનની પણ આજે લાશ મળી આવી હતી.

માળિયા પંથકમાં ગત શુક્રવાર અને શનિવારે પડેલા ભારે વરસાદને કારણે ભાવપર થી નવલખી વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. ઉપરાંત બગસરા, ભાવપર, વર્ષામેડી, બોડકી સહિતના ગામોથી હજુ મોરબી તરફ આવી શકાતું નથી. ઉપરાંત જીંજુડા, રાસંગપર, નાનાભેલા, દહીંસરા, મોટી બરાર, જાજસર, દેવગઢ સહિતના ગામોમાં વરસાદના કારણે તારાજી થઈ હતી. અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે.

ભારે વરસાદના કારણે માળિયાના રણકાંઠાના મીઠા ઉધોગને ખૂબ મોટું નુકસાન થયું છે. લવણપૂરથી નવલખી રોડ વચ્ચે બંધ પાળા તૂટી ગયા હોવાથી 1 લાખ ટન મીઠાનું ધોવાણ થયું છે.મીઠા ઉદ્યોગને કુલ રૂ. 6 કરોડનું નુકશાન થયું છે. તેમ મરીન સોલ્ટ એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજા જણાવે છે. ઉપરાંત સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હજુ સુધી અહીં તંત્ર પહોંચ્યું નથી.

ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતીના કારણે માળિયાના ખરી વાંઢ વિસ્તારમાંથી 8 યુવકો તણાયા હતા. જેમાં છ યુવકનો હેમખેમ બચાવ થઈ ગયો છે. જ્યારે અબ્દુલમિયાં અલારખામિયા બુખારી(ઉ.વ.47) નામનો યુવકનો પાણીના વહેણમાંથી મૃતદેહ મળી આવ્યો છે. હજુ પણ એક યુવક અબ્દુલ આવેશ કટિયા લાપતા હોવાનું મામલતદાર નીનાવે જણાવ્યું હતું મળ્યું છે. જયારે માળિયાના ઘાંટીલા ગામના વોકળાના પાણીમાં ગઈકાલે તણાઈ ગયેલા જગમાલ મંગાભાઈ ભરવાડ (ઉ.વ.૨૨) વાળા યુવાનનું મોત થયું છે. જેની આજે લાશ મળી હતી. પોલીસે આ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.