માળિયાના સરવડ ગામે શાળામાંથી 43 બાળકીઓને રેસ્ક્યુ કરાઈ

કેડ સુધીના પાણી વચ્ચે એનડીઆરએફની ટીમ અને ગ્રામજનોએ 3.5 કલાક સુધી જહેમત ઉઠાવીને બાળકીઓને સલામત સ્થળે ખસેડી

માળિયા : માળિયાના સરવડ ગામે આવેલી શાળા નજીક કોઝવે ઉપર પાણી ફરી વળતા કેડ સુધીના પાણી ભરાઈ ગયા હતા. ત્યારે એનડીઆરએફની ટીમ અને ગ્રામજનોએ સતત 3.5 કલાક જહેમત ઉઠાવીને શાળાની 43 બાળકીઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી હતી.

મળતી વિગત પ્રમાણે માળિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ ઉપરાંત અનેક કોઝવે ઉપરથી પાણી જતા હોવાથી પરિવહનને પણ ભારે અસર થઈ હતી. આ દરમિયાન સરવડ ગામની કેજીબી શાળા પાસે કેડ સુધીના પાણી ભરાયા હતા. ત્યારે શાળાની અંદર 43 બાળકીઓ અને નોન ટીચિંગ સ્ટાફના 9 લોકો ફસાયા હતા. જો કે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ શાળાની મુલકાતે હતા. ત્યારે અહીંથી ગયા બાદ થોડી વાર પછી બંન્ને અધિકારીઓએ જોયું હતું કે કોઝવે ઉપરથી જતા પાણીમાં ખૂબ વધારો થયો છે. તેઓએ પરિસ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક એનડીઆરેફની ટીમને બોલાવી હતી.

બાદમાં એનડીઆરએફની ટીમ અને ગ્રામજનોએ સાથે મળીને 3.5 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. અને તમામ 43 બાળકીઓ અને નોન ટીચિંગ સ્ટાફના 9 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. બાદમાં સાંજના સમયે બાળકીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.