માળિયાથી દહીંસરાનો રોડ બંધ : મોરબીમાં રવાપર રોડ અને અવની ચોકડી પાસે ઘરોમાં પાણી ઘુસ્યા

સામાકાંઠે રામકૃષ્ણ મેઈન રોડ અને પંચાસર ચોકડી પાસે વૃક્ષ ધરાશાયી : માધાપર વાડી સોનાપુરીના લાકડા પુરમાં તણાયા

મોરબી : મોરબી અને માળિયામાં ભારે વરસાદને પગલે લોકોને અનેક હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત હાલ માળિયાથી દહીંસરાનો રોડ બંધ થઈ ગયો હોવાની પણ વિગતો મળી છે. સાથે મોરબીના સામાકાંઠે તેમજ રવાપર રોડ પર સોસાયટી અને અવની ચોકડી પાસે ઘરોમાં પાણી ઘુસ્યા હોવાના પણ બનાવો જાણવા મળ્યા છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીમાં છેલ્લા 24 કલાકમાં 14.5 ઇંચ તેમજ માળિયામા 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે માળિયાના દહીંસરા ગામેથી નવલખી જવાનો રોડ બંધ થઈ ગયો છે. આ ઉપરાંત ગાયત્રીનગર, વર્ષામેડી, બોડકી, લવણપુર, નવલખી, ખીરસરા સહિતના ગામો સુધી જવાના રસ્તા બંધ થઈ ગયા હોવાથી ગામ સંપર્ક વિહોણા થયા હોય તેવી સ્થિતિ ઉદભવી છે.

આ ઉપરાંત મોરબીના સામાકાંઠાની રામકૃષ્ણનગર, ગોપાલ, ન્યુરીલીફનગર, કડીયા બોર્ડિંગ સહિતના વિસ્તારો અને સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જ્યારે રામકૃષ્ણ મેઈન રોડ ઉપર તેમજ પંચાસર ચોકડી પાસે કુલ ત્રણ વૃક્ષ ધરાશાયી થયા હતા. સાથે પંચાસર ચોકડી પાસે આવેલ માધાપર વાડી સોનાપુરીમાં ચાર થી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અંત્યેષ્ઠિ માટેના ટનબંધ લાકડા પણ તણાઈ ગયા હતા. જયારે અવની ચોકડી અને રવાપર રોડ વિસ્તારની સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે.