નવલખી પોર્ટેથી ડમ્પરની ચોરી કરી ચાલક ફરાર

ગાંધીધામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી

મોરબી : માળીયા નજીક આવેલ નવલખી પોર્ટેથી કોલસો ભર્યા વગર ડમ્પર લઈને ચાલક ફરાર થઈ ગયો હતો.આ બાબતે ગાંધીધામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ગાંધીધામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી કૈલાશભાઈ ભગવાનજીભાઈ ગઢવી ઉ.વ.37એ તેમની કંપનીના ડમ્પર ચાલક રત્નલાલ ગોમાંરામ ચૌધરી રહે રાજસ્થાન સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધવી હતી કે,તેમની માલિકીના જી.જે. બી.ટી.5783 નંબરના ટ્રક ડમ્પર આરોપી ચલાવે છે અને આ ડમ્પર ચાલક નવલખી પોર્ટથી કોલસો ભરીને અમદાવાદ આવતો હોય છે. પણ આરોપી ગતતા.5ના રોજ નવલખી પોર્ટથી ડમ્પરમાં કોલસો ભર્યા વગર જ રફુચક્કર થઈ ગયો હતો.આ બાબતની જાણ થતાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ડમ્પર ચાલક સામે ડમ્પરની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.