મોરબીના સીરામીક ઉદ્યોગકાર સાથે રૂ. 15.75 લાખની છેતરપીંડી

માલ મંગાવીને પૈસા ન આપતા ઉદ્યોગપતિએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના એક સીરામીક ઉદ્યોગકાર પાસેથી એક વ્યક્તિએ ટાઇલ્સનો માલ મંગાવીને પૈસા ન આપી રૂ. 15.75 લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની ઉમા ટાઉનશીપમા રહેતા રણજીતભાઈ લલીતભાઈ ભડાણીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી કે 29/10/2017 થી વર્ષ 2018 દરમિયાન આરોપી કાંતિ અંબારામ ઘેટિયા રહે મૂળ મોરબી હાલ સુરત વાળાએ વ્રજ સિરામિક નામની પેઢી બનાવી તેઓ પાસેથી સિરામિક ટાઈલ્સનો માલ મંગાવી પેમેન્ટ નહિ ચૂકવી રૂ. 15,75, 447ની છેતરપીંડી કરી છે. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે છેતરપીંડી આચરનાર શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.