હળવદ : એક પરિવારના ત્રણ બાળકો ઝેરી દવા વાળા મગફળીના દાણા ખાઈ લેતા એકનું મોત

- text


ચરાડવા પાસેના ખેતર વિસ્તારમાં બનેલો બનાવ : અન્ય બે બાળકોને ઝેરી અસર થવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

હળવદ : હળવદના ચરાડવા ગામે આવેલ ખેતર વિસ્તારમાં ખેત મજુરી કરતા પરિવારના ત્રણ બાળકોએ ગઈ કાલે ઝેરી દવા વાળા મગફળીના દાણા ખાઈ લેતા ત્રણેયને ઝેરી અસર થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમથી એક માસુમ બાળકનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે બાળકોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા પ્લોટમાં આવેલ રમેશભાઈ સોનગ્રા ની વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા કુંવરસિંહ વાસકેલેના ત્રણ બાળકો આજે ભૂખ લાગવાથી ઝેરી દવા વાળા મગફળીના દાણા ખાઈ ગયા હતા જેમાં કુંવરસિંહ વાસકેલેના ત્રણ સંતાનો અલ્પેશ કુંવરસિંહ વાસકેલે ઉ.દોઢ વર્ષ, મીરાબેન કુંવરસિંહ વાસકેલે ઉ.વ.3 તથા રસિક કુંવરસિંહ વાસકેલે ઉવ.5 નામના ત્રણેય સગા ભાઈ બહેનો ઝેરી અસરવાળા મગફળીના દાણા ખાઈ લેતા પ્રથમ ચરડવાના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં દોઢ વર્ષના માસુમ બાળક અલ્પેશ કુંવરસિંહ વાસકેલેનું મોત નીપજ્યું હતું.આ બનાવથી ખેતમજુર પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ હતી.જ્યારે બાકીના બે બાળકોને મોરબીથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.ત્યારે આ ઝેરી અસર વાળા દાણા ત્રણેય બાળકો ભૂખ લાગવાથી ખાઈ ગયા હોવાથી આ બનાવ બન્યાનું પ્રાથમિક તારણ છે.આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

- text