પીપળીયા ચોકડી પાસે ટીસીમાં ટ્રક અથડાયાની ઘટના બાદ 20 કલાકે વીજ તંત્ર હરકતમાં આવ્યું !

- text


અનેક રજૂઆતો કરવા છતાં મોડી કામગીરી શરૂ કરતાં વિજતંત્ર સામે સ્થાનિકોમાં રોષ : માળિયાના ગામોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાયા બાદ તંત્ર ગંભીર બેદરકારી રાખતું હોવાની વ્યાપક ફરિયાદ

મોરબી : મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ગઈકાલે એક ટ્રક ટીસી સાથે અથડાયો હતો એ ગંભીર ઘટના અંગે અનેક રજુઆત કરવા છતાં વિજતંત્ર આ ઘટના બન્યાની 20 કલાક બાદ હરકતમાં આવતા વિજતંત્રની આ બેદરકારી સાથે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રિલાઇન્સના ટાવર નજીક આવેલા ટીસીમાં ગઈકાલે એક ટ્રક ધડાકાભેર અથડાયો હતો. જેના કારણે ટીસી નમી ગયું હતું અને આ ટિસીની જોખમી હાલત થઈ ગઈ હતી. આ બાબતે સ્થાનિકોએ વિજતંત્રને અનેક રજુઆત કરી હતી. તેમ છતા ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે બનેલી આ ગંભીર ઘટના અંગે વીજતંત્રએ ત્વરિત કામગીરી કરવાને બદલે ગંભીર બેદરકારી રાખીને છેક 20 કલાક પછી હરકતમાં આવ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી. ત્યારે આ ગંભીર ઘટના અંગે મોડેથી કામગીરી શરૂ કરતાં સ્થાનિકોમાં વિજતંત્ર સામે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે માળિયાં મિયાણા તાલુકાના મોટાભાગના ગામોમાં વિજતંત્રની બેદરકારીને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહેતો હોવાની વારંવાર ફરિયાદો ઉઠે છે અને આ ફરિયાદો કરવા છતાં વિજતંત્ર ફોન રિસીવ કરતું નથી કે ફોનનું રીસીવર નીચે મૂકી દે છે આવી અનેક ફરિયાદ ઉઠી છે. ત્યારે વિજતંત્રને રજુઆત કરવા છતાં ટિસીની છેક 20 કલાકે કામગીરી હાથ ધરી હોવાનો ગંભીર બેદરકારીનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે.

- text