વાંકાનેરના તબીબને ફડાકા ઝીંકનાર જીતુ સોમાણી સામે નોંધાયો ગુનો

- text


તબીબની ફરિયાદના આધારે સિટી પોલીસે હાથ ધરી કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબને ભાજપના આગેવાન અને પાલિકાના પૂર્વ પ્રમુખ જીતુ સોમાણીએ ફડાકા ઝીંકી દીધાની ઘટના આજે પ્રકાશમાં આવી છે. આ મામલે હાલ તબીબે વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જીતુ સોમાણી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર સરકારી હોસ્પિટલના ડો. જયદીપ મનસુખપરી ગોસાઈએ વાંકાનેરના જીતુભાઈ કાંતિલાલ સોમાણી વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેઓ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ફિઝીશ્યન તરીકે નોકરી કરતા હોય વાંકાનેર સરકારી હોસ્પિટલમાં આર.એમ.ઓ. ની જગ્યા ખાલી હોય જેથી પોતાની ફિઝિશિયનની ફરજ ઉપરાંત સરકારની વૃદ્ધ પેન્શન યોજના અંગેના ઉંમરના દાખલા લોકોને હેરાનગતિ ન ભોગવવી પડે તે હેતુથી ટોકન આપી દર શુક્રવારે ૧૦ અરજદારોને ઉંમરના દાખલા કાઢી આપતા હોય આજરોજ ઘણાં માણસો દાખલા કઢાવવા આવતા તેઓને ટોકન આપી આવતા શુક્રવારે દાખલા કઢાવવા આવવાનું કહેતા તેઓએ જીતુ સોમાણી પાસે રજૂઆત કરવા જતાં જીતુ સોમણીએ ફરિયાદીને ફોન કરી આ લોકોના ઉંમર અંગેના દાખલા કાઢી આપવાનું કહ્યુ હતું.

- text

તબીબે જીતુ સોમાણીને સમજાવવાનો પ્રયાસ કરતાં કોઈ વાત નહીં સાંભળી તબીબને જેમ ફાવે તેમ ગાળો આપી સરકારી દવાખાને જઈ આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી કાઠલો પકડી બળજબરીથી બહાર લાવી ફરજમાં રૂકાવટ કરી તબીબને ફડાકા તથા મુકા મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ipc 186 332 504 506 (2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે.

- text