ટંકારા તાલુકાના ચાર ગામો ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા : પરિવહન અટક્યું

ગજડી, વાગડ, નેસડા ખાનપર અને મેઘપર જવાના રસ્તા ઉપર પાણી ભરાયા : રાજાવડમા ઘરમાં પાણી ઘુસ્યા

ટંકારા : ટંકારા પંથકમાં આજે મેઘરાજા અનરાધાર વરસતા ગજડી, વાગડ, નેસડા ખાનપર અને મેઘપર ગામ સંપર્ક વિહોણા બન્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગામોમાં જવાના રસ્તામાં પાણી ફરી વળતા અનેક લોકો અટવાયા હતા.

ટંકારા પંથકમાં આજે સાંજના સુમારે મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. માત્ર દોઢ કલાકમાં અંદાજે પોણા ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે ગજડી, વાગડ, નેસડા ખાનપર અને મેઘપર ગામમાં જવાના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા આ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જેના કારણે અનેક લોકો અટવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજાવડ ગામે ઘરમાં પાણી ઘુસ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.