માળીયા : રાસંગપર ગામે મકાન પર વીજળી પડતા વીજ પુરવઠો ખોરવાયો

સદભાગ્યે જાનહાની ટળી

માળીયા : માળીયા તાલુકાના રાસંગપર ગામે આજે વરસાદ સાથે એક મકાનમાં વીજળી પડી હતી.જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી પણ વીજળી પડતાની સાથે આખા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને હાલ આ ગામમાં અંધારપટ્ટ છવાયો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે માળીયા પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે માળીયા તાલુકાના રાસંગપર ગામે વરસાદ સાથે વીજળી પડી હોવાના અહેવાલો મળ્યા છે જાણવા મળતી વિગતો મુજબ રાસંગપર ગામે રહેતા વાલજીભાઇ લિખિયાના મકાન પર વીજળી પડી હતી.સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.પણ તેમના મકાનને નુકશાન થયું હતું.વીજળી પડતાની સાથે આખા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને હાલ ગામમાં અંધારપટ્ટ છવાયો છે.ત્યારે વીજ પુરવઠો પૂર્વવત થયા બાદ વીજળી પડવાથી ગામમાં કેટલા ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા તેની વિગતો જાણવા મળશે.