હળવદના શીરોઈ ગામ નજીક સરકારી અનાજના જથ્થા સાથે ચાર ઝડપાયા

હળવદ પોલીસે ચોખા,તુવેરદાળ અને ઘઉં ૪ સીએનજી રીક્ષા મળી કુલ રૂ ૪.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

હળવદ : હળવદ પંથકમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે આજે હળવદ પોલીસ દ્વારા શીરોઈ ગામ નજીક ૪ સીએનજી રીક્ષા માં ઘઉં,ચોખા અને તુવેર દાળ સાથે ચાર આરોપીઓને ઝડપી લઇ ગુનો નોંધી સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યો હતા અને ક્યાં આપવાનો હતો તેમ સહિતની તપાસ હાથ ધરી છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ આજરોજ હળવદ પોલીસ તાલુકાના શીરોઈ ગામ નજીક પ્રેટ્રોલીંગમા હોય તે દરમિયાન ત્યાંથી ૪ સીએનજી રીક્ષા શંકાસ્પદ રીતે અનાજની ભરેલી પસાર થતાં પોલીસ દ્વારા તેને અટકાવી તપાસ કરાતા ઘઉં,ચોખા અને તુવેર દાળ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા અનાજ ના બીલ માંગતા આ અનાજનો જથ્થો સરકારી અનાજ હોવાનું ખુલવા પામતા પોલીસ દ્વારા ચારેય આરોપીઓને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી રૂપિયા ૪.૫૮લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી બળદેવભાઈ, રાજુભાઇ,મનુભાઈ,મુળજીભાઈ ને ઝડપી લઇ આ સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા નો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે

પોલીસ ઝડપાયેલ સરકારી અનાજનો જથ્થો માથક નો હોવાની ચર્ચા…?

પોલીસ દ્વારા આજે શીરોઈ નજીકથી ઝડપી પાડેલ સરકારી અનાજનો જથ્થો માથક ગામનો મધ્યાન ભોજનનો હોવાની ચર્ચાએ પંથકમાં જોર પકડયું છે ત્યારે સાચી હકીકત તો પોલીસ અને પુરવઠા અધિકારી દ્વારા તપાસ કર્યા બાદ જ બહાર આવશે.