મોરબીમાં પિસ્તોલ અને તમંચા સાથે બે ઝડપાયા : હત્યાની ફિરાકમાં હોવાની કબૂલાત

મામાની હત્યા કરનાર શખ્સ કોર્ટની મુદતે આવે ત્યારે કોર્ટમાં જ તેની ઉપર ફાયરિંગ કરવા હથિયારો ખરીદ્યા ‘તા

મોરબી : મોરબી એલસીબીએ બે શખ્સોને પિસ્તોલ અને તમંચા સાથે ઝડપી પાડ્યા છે. આ બન્ને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ પોતાના મામાની હત્યાનો બદલો લેવા માટે આ હથિયાર ખરીદ્યા હોવાની કબૂલાત આપી છે. બન્ને શખ્સો મામાની હત્યા કરનાર જ્યારે કોર્ટની મુદતે આવે ત્યારે તેની ઉપર કોર્ટમાં જ ફાયરિંગ કરવાની ફિરાકમાં હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ રવીરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે મચ્છીપીઠ નાકા પાસેથી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે. મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી અને દિગપાલસિંહ ઉર્ફે દિગ્વિજયસિંહ ગિરિરાજસિંહ ગોહિલ રહે.મોરબી પીપળી રોડ, ગજાનંદ સોસાયટી વાળાને પિસ્તોલ કિંમત રૂ. 10 હજાર, તમંચો કિંમત રૂ. 5 હજાર અને જીવતા કારતુસ નંગ 14 કિંમત રૂ. 1400 મળી કુલ રૂ. 16,500ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

આ બન્ને શખ્સોની પૂછતાછ કરતા તેઓએ કેફિયત આપી હતી કે થોડા સમય પહેલા અર્જુનસિંહના મામાનું ખૂન થયેલ હોય સ્વબચાવ માટે તેમજ ખૂન કરનાર જ્યારે મુદત માટે કોર્ટમાં આવે ત્યારે કોર્ટમાં તેની ઉપર ફાયરિંગ કરીને બદલો લેવા માટે આ હથિયારો લીધા છે. ઉપરાંત બન્ને શખ્સોએ આ હથિયારો મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુરના જગતસિંગ સરદારજી પાસેથી ખરીદ્યા હોવાની કબૂલાત આપી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દિગપાલસિંહ અગાઉ ધ્રાંગધ્રા ખાતે બે જ્ઞાતિ વચ્ચે મારામારી દરમિયાન થયેલા ચકચારી ખૂનના ગુનામાં તથા પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ છે. હાલ પોલીસે આ બન્ને શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ કરી હથિયાર આપનાર એમપીના જગતસિંગ સામે પણ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.