જીએસટીના રાજ્ય વ્યાપી બોગસબીલ કૌભાંડમાં ધરપકડનો દૌર શરૂ : મોરબી સુધી રેલો આવે તેવી સંભાવના

ધરપકડના દૌરથી મોરબીના કબૂતરબાજ બિલ બનાવનારોમાં ફફડાટ : જામનગર સ્થિત કંપનીનું એક યુનિટ વાંકાનેરમાં હોવાનું ખુલતા મોરબીમાં પણ વ્યાપક દરોડા પડવાની શકયતા

મોરબી : જામનગરમાં રોસાટા કોર્પોરેટ તેમજ તેની સહયોગી અન્ય પેઢીઓના નામે રૂા ૨૭૨.૭૪ કરોડના બોગસ બિલ બનાવી કરોડો રૂા.ની ઈન્પુટ ટેકસ ક્રેડીટનો લાભ લેવાના ગુનામાં કેન્દ્રીય જીએસટી વિભાગની પોલીસ ફરિયાદ બાદ જામનગરની પાર્ક કોલોનીમાં રહેતા સંદીપ છનીયારાની ધરપકડ થયા બાદ ચોટીલા હાઈ-વે ઉપર આદીત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રાઈવેટ લીમીટેડ નામના સ્ટીલના સળિયા બનાવતી ફેકટરીના ધંધાર્થી એવા મનોજકુમાર અજીતકૂમાર જૈન અને વિપુલ મનોજકૂમાર જૈન નામના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં હજુ મોરબીના સિરામીકના ધંધાર્થીઓના મોટા માથાના બેનામી વ્યવહારો બહાર આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

રાજકોટ સ્થિત કેન્દ્રીય જીએસટી અને સેન્ટ્રલ એકસાઈઝના અધિકારીઓની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જામનગરનાં જુદા જુદા વિસ્તારોમાં રીક્ષા ડ્રાઈવરો, મજુરોના નામે ખોટી કંપનીઓ ઉભી કરીને બોગસ બિલનું જે મોટુ કારસ્તાન ચાલતુ હતુ તેના ઉપર વોચ રાખવામાં આવ્યા બાદ જુદી જુદી નવ કંપનીઓના નામે રૂા.૨૭૨.૭૪ કરોડના બોગસ બિલ બનાવનાર સંદીપ છનીયારા (રોલાટા કોર્પોરેટ, જામનગર)ની ધરપકડ કરવામાં આવી હતી જેણે રૂા ૪૯.૨૬ કરોડની ઈન્પુટ ટેકસ ક્રેડીટનો લાભ લીધો હોવાનું જાહેર થયું હતું.

દરમિયાન સેન્ટ્રલ જીએસટીની પ્રિવેન્ટીવ વિંગના અધિકારી સુત્રોએ આ પ્રકરણમાં વધુ વિગતો આપીને જણાવ્યું હતું કે, જેમ સંદીપ છનીયારા બોગસ બિલ બનાવતો હતો તે બોગસ બિલનો લાભ લેનારામાં અમદાવાદનાં જૈન પિતા-પુત્રની પણ આજે ધરપકડ કરવામાં આવી છે.

ચોટીલા હાઈ-વે ઉપર આદીત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રા.લીમીટેડ નામના સ્ટીલના ધંધાર્થી એવા મનોજકૂમાર જૈન અને તેના પુત્ર વિપુલે રૂા ૧૪ કરોડ ૫૫ લાખના બોગસ બિલોનો લાભ લીધો હતો. જેના કારણે તેઓએ ૨ કરોડ ૬૧ લાખની ઈન્પુટ ટેકસ ક્રેડીટનો લાભ મેળવ્યો હતો. જેની કબુલાતના આધારે આ પિતા પુત્રે રૂા ૩૦ લાખ જેવી રકમ સરકારમાં જમા કરાવી હતી.

પ્રિવેન્શન વીંગના અધિકારી એડીશ્નલ કમિશ્નર આર.કે. ચંદન અને અંજનીકૂમાર સહિતના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં જણાવ્યું હતું કે, બોગસ બિલીંગ કાંડનો સુત્રધાર સંદીપ છનીયારા એમ.બી.એ. સુધી ભણેલો છે. પરંતુ તેણે જામનગરના રામેશ્વર નગર, રણછોડરાય મંદિર અને ગાજરફળીના સરનામે જુદી જુદી નવ ખાનગી કંપનીઓ કાગળ ઉપર ઉભી કરી બેંકોમાં ખાતા ખોલાવ્યા હતાં. જેમાં રીક્ષા ડ્રાઈવર, મજુરો અને સામાન્ય વર્ગના નાના કામદારોના આધાર કાર્ડ, રેશનકાર્ડ વિગેરે લઈને કરોડો રૂા.નાં બોગસ બિલનો કારોબાર ચલાવવામાં આવ્યો હતો.

આ ધંધો માત્ર મોરબીના સિરામીકના ઈન્ડસ્ટ્રીઝના કેટલાક ધંધાર્થીઓના બેનંબરનાં વહીવટ સાચવવા માટે જ ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. તેથી આ પ્રકરણમાં હવે મોરબીના સિરામીકના કારખાનેદારો દ્વારા બોગસ બિલોનો લાભ લઈને ઈન્પુટ ટેકસ ક્રેડીટનો જે લાભ લેવામાં આવ્યો છે તેવા સરકારી તંત્રની આંખે પાટા બાંધનારા ધંધાર્થીઓના નામે જાહેર કરાશે. આ પ્રકરણમાં સંદીપ મગનલાલ છનીયારાને તા.૮નાં ધરપકડ થયા બાદ અદાલતે તેને તા.૨૨ જુલાઈ સુધી જયુડીશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો હતો.

ત્યાર બાદ આજે સીજીએસટી ઓથોરીટી દ્વારા વાંકાનેર તાલુકાની રેવન્યુ હદમાં સમાવિષ્ટ એવા આદીત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર અને ડાયરેકટર પિતા – પુત્રની ધરપકડ કરી અદાલતમાં રજુ કરાતા તેઓએ રૂા ૩૦ લાખ જેવી રકમ ભરી દેતા તેઓને જામીન ઉપર છોડવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બોગસ બિલના દેશના સૌથી મોટા આર્થિક કૌભાંડની તપાસમાં હજુ ચોંકાવનવારી વિગતો બહાર આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. ત્યારે આ પ્રકરણમાં મોરબી, વાંકાનેરનું કનેક્શન ખુલતા આવનારા દિવસોમાં સીરામીક યુનિટો સહિત સંલગ્ન ઉધોગગૃહો પર જીએસટી વિભાગ ઘોંસ બોલાવશે એવા ખ્યાલથી મોરબીના કબૂતરબાજી કરી રહેલા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે અને નજીકના ભૂતકાળમાં કરેલા બિલ કૌભાંડને જીએસટી વિભાગની નજરથી બચાવવા માટેના હવાતિયાં મારવાના શરૂ કરી દીધા હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne