મોરબીના સીરામીક ઉદ્યોગ માટે બજેટમાં કહી ખુશી કહી ગમ

બજેટમાં ચાઈનાની ટાઇલ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી પણ સાથે સેનેટરી વેર ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દેવાઈ
જોકે સરકારના આ નિર્ણયથી મોરબીના સીરામીક ઉદ્યોગને ફાયદા કરતા નુકશાની જાજી જ્યારે હોમ લોન ઉપર રાહત અપાતા બાંધકામમાં તેજી આવાથી સીરામીક ઉદ્યોગોને ફાયદો થશે

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ માટે બજેટ કહી ખુશી કહી ગમ જેવું રહ્યું છે. જોકે અકેંદરે ખુશી કમ અને ગમ જાજુ છે. કારણ કે બજેટમાં ચાઈનાની ટાઇલ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી પણ સાથે સેનેટરી વેર ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દેવાઈ છે. જેમાં વર્ષ 2019-20ના બજેટમાં ચાઈનાની સેનેટરી વેર પ્રોડક્ટ ઉપર ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 8.5 ટકા કરવામાં આવતા મોરબીના સેનેટરી ઉદ્યોગોને ફટકો પડવાની દહેશત છે. વધુમાં ચાઇનાથી સીરામીક ટાઇલ્સનું ઈમ્પોર્ટ સાવ ઓછું હોવા છતાં તેની ઈમ્પોર્ટ ડ્યુટી 10 થી વધારીને 15 ટકા કરી આપવામાં આવી છે. જોકે બીજી બાજુ હોમ લોન ઉપર રાહત અપાતા બાંધકામમાં તેજી આવશે અને સીરામીક ઉદ્યોગને ફાયદો થવાનો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે વર્ષ 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સીરામીક તેમજ કલોક ઉદ્યોગના મુદ્દાઓ સમાવાઇ તેવી માંગ ઉઠી હતી. પરંતુ બન્ને ઉદ્યોગને લગતા એક પણ મુદા બજેટમાં સમાવવામાં ન આવતા બન્ને ઉદ્યોગોના એસોસિએશનની આશા ફળી ન હતી. સીરામીક એઓસીએશને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે વિશેષ બજેટ, રેલવે યાર્ડ, ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ અને જીએસટીમા રાહત આપવાની માંગ ઉઠાવી હતી. ઉપરાંત કલોક એસોસિએશને પણ જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી આપવાની માંગ ઉઠાવી હતી.

જયારે કેન્દ્રીય બજેટ અંગે મોરબી સીરામીક એસો.ના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડરિયાએ કહ્યું કે બજેટમા ચાઈનાની સીરામીક ટાઇલ્સ ઉપરની ઈમ્પોર્ટ ડ્યુટી 10 થી વધારીને 15 ટકા કરાઈ છે. જો કે આ ફેરફારનો કોઈ અર્થ નથી. કારણકે ચાઈનાથી સીરામીક ટાઇલ્સ મોટા પ્રમાણમાં આવતી નથી. ત્યારે આ ફેરફાર કરવાને બદલે જો ભારતીય સીરામીક પ્રોડક્ટને એક્સપોર્ટમા વેગ મળે તેવી કોઈ જોગવાઈ કરવામા આવી હોત તો ઉદ્યોગોને ફાયદો થઈ શકતો હતો. બીજી બાજુ ચાઈનાની સેનેટરી વેર પ્રોડક્ટ ઉપર ઈમ્પોર્ટ ડ્યુટી 10 થી ઘટાડીને 8.5 ટકા કરાઇ છે. જેના કારણે મોરબી જિલ્લાના સેનેટરી ઉદ્યોગને ભારે ફટકો પડવાની દહેશત છે.

જ્યારે મોરબી સીરામીક એઓસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે બજેટમાં સીરામીક ઉદ્યોગને સીધી રીતે કોઈ રાહત આપવામાં આવી નથી. પરંતુ 45 લાખ રૂપિયા સુધીની હોમ લોનના વ્યાજ પર છૂટની મર્યાદા 2 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેના કારણે બાંધકામ ક્ષેત્રમાં તેજી આવવાની છે. જેથી સીરામીક પ્રોડક્ટની માંગ વધશે અને સીરામીક ઉદ્યોગોને ફાયદો થશે.

જયારે બજેટ અંગે કલોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ કહ્યું કે કલોક ઉદ્યોગો ઉપરનો 18 ટકા જીએસટી ઘટાડીને 12 ટકા કરી આપવામાં આવે તેવી માંગ સંતોષવામાં આવી નથી. વધુમાં હાલ કલોક ઉદ્યોગ મંદીમાં છે. ત્યારે તેમાંથી બહાર નીકળવાનું ચિત્ર હજુ સ્પષ્ટ થતું નથી. આમ સીરામીક અને કલોક એસોસિએશનની આશા બજેટમાં ફળી ન હોવાનું સામે આવ્યું છે.