મોરબી : યુવાનની હત્યા એક પોલીસકર્મી સહિત છ શખ્સોએ કર્યાનો ઘટસ્ફોટ

- text


મકનસર નજીક નવા બની રહેલા પોલિસ હેડક્વાર્ટર નજીક અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવ્યાના બનાવમાં સાઈટ સુપરવાઇઝરે એક પોલીસકર્મી અને પાંચ જીઆરડી જવાનો સામે હત્યાની ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ

મોરબી : મોરબીના મકનસર નજીક નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટર નજીક થયેલ એક યુવાનની હત્યાના બનાવમાં સાઈટ સુપરવાઇઝરે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં જ એક પોલીસકર્મી અને પાંચ જીઆરડી મળી કુલ છ ઈસમોએ હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જેમાં બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીમાં ગઈકાલે સાંજે મોરબી તાલુકાના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટરમાં કામ કરતા મજૂરની ઓરડી પાછળથી ૨૫ થી ૨૭ વર્ષના યુવકનો મૃતદેહ પડ્યો હોવાની મોરબી તાલુકા પોલીસને સાઈટ સુપરવાઈઝર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેને પગલે મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી, મોરબી તાલુકાના નવનિયુક્ત પીએસઆઇ એમ.વી.પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત પહોંચી ગયો હતો અને સમગ્ર બનાવની હકીકત જાણવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોરબીના નવનિર્મિત પોલીસ હેડક્વાર્ટરના કોન્ટ્રાક્ટ રાખનાર ભુજની શ્રી શક્તિ કન્સ્ટ્રકશન સાઈટ પરના સુપરવાઇઝર રાકેશ છોટાલાલ રાઠોડ મૂળ ન્યુ તલવાણા તા.માંડવી જી.કચ્છ વાળા એ પોલીસમથકે ફરિયાદ નોધવી હતી.

એક પોલીસકર્મી અને પાંચ જીઆરડી જવાનો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં સુપરવાઈઝર દ્વારા જણાવાયું છે કે તા.૨૪ એટલે કે ગઈકાલે બપોરે સાડા અગિયારેક વાગ્યે રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ એન્ટિક સિરામીકમાંથી કેમિકલ લઈને પરત આવતો હતો એ દરમ્યાન પોલીસ હેડકવાટરની સાઈટ પર ફરજ બજાવતા અને અમારી સાઈટ પર આટા ફેરા કરતાં પોલીસકર્મી કિશોરભાઈ અને તેની સાથે નોકરી કરતા જીઆરડી જવાન દેગામાં કમલેશ અને હાર્દીક ઉર્ફે લાલો બરાસરા અને અન્ય ત્રણ જીઆરડી જવાનો મળી પ્લાસ્ટિક ના પાઈપ વડે મેલડી માતાજીના મંદિર પાસે આશરે ૨૫ થી ૨૭ વર્ષના યુવાનને આડેધડ માર મારતા હતા અને મારે કેમિકલ સાઈટ પર તાત્કાલિક પહોચાડવાનું હોય હું ત્યાંથી આગળ નીકળી ગયો હતો અને બાદમાં બપોરના બે વાગ્યે અમે રસોડા પર જમવા જતા રહ્યા હતા જમીને આશરે સાડા ત્રણેક વાગ્યે હું મારા વાસણ ધોવા માટે ઓરડી પાછળ ગયો ત્યાં કિશોરભાઈ પોલીસ વાળા અને જીઆરડી જવાનો આડેધડ માર મારતા હતા એ યુવાન ત્યાં પડ્યો હતો અને મારી સાથે કામ કરતાં કૈલાશ મકવાણા નજીક જઈ જોતા આ અજાણ્યો યુવાન અત્યંત પીડાથી કણસતો હતો. જેથી અમે અમારા સાઈટના એન્જીનીયર નરેશભાઈને વાત કરતા તેઓએ હેડક્વાર્ટરનાના આરએસઆઈ મુધવાને ફોન કરવાનું કહેતા અમે તેઓને પણ ફોન થી જાણ કરેલ હતી અને બાદમાં મારી સાથે સાઈટ પર રહેલા હિરેન ભાનુશાલી એ ૧૦૮ માં ફોન કર્યો હતો, પરંતુ ૧૦૮ને ફોન લાગતો નહતો. એ સમયગાળા દરમિયાન આ અજાણ્યો યુવાન કણસતો અચાનક બંધ થઈ ગયો હતો. બાદમાં ૧૦૮ ને ફોન લાગતા ૧૦૮ની ટિમ ત્યાં આવી આ યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ સમય દરમિયાન પોલીસ પણ આવી જતા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જેમાં આ આ અજાણ્યા યુવાનનું મોત નવા બની રહેલા હેડક્વાર્ટરની સુરક્ષા માટે મુકેલા પોલિસકર્મી કિશોર અને તેની સાથે રહેલા જીઆરડી જવાન કમલેશ દેગામા, હિરેન ઉર્ફે લાલો બરસરા જ્યારે અન્ય ત્રણ અજાણ્યા જીઆરડી જવાનો જેને જોઈને ફરિયાદી સુપરવાઈઝર ઓળખે છે, પરંતુ નામથી નથી ઓળખતો તે લોકોએ ભેગા થઈને અજાણ્યા યુવકને બેફામ માર મારતા નીપજ્યું હોવાનું જણાવ્યું છે. જેમાં મોરબીના નવનિયુક્ત તાલુકા પીએસઆઇ એમ.વી.પટેલે સાઈટના સુપરવાઈઝર રાકેશ છોટાલાલ રાઠોડની ફરિયાદ પરથી પોલીસકર્મી અને જીઆરડી જવાન મળી કુલ છ ઈસમો વિરૂદ્ધ ગેરકાયદેસર મંડળી રચી હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે જો કે અજાણ્યો ઈસમ કોણ છે ? તે અહીંયા કાઈ રીતે આવ્યો ? તેને લાવવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ અંગત સ્વાર્થ ખાતર તેને કોઈના કહેવાથી લાવવામાં આવ્યો હતો એ તમામ પ્રશ્નો અકબંધ છે. જે આરોપીઓ પકડાય પછી જ બહાર આવશે હાલ પોલીસે મૃતક યુવાનના પરિવાર ની ઓળખ મેળવવા માટેની અને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે મોરબીમાં પોલીસની જેમ રોફ જમાવતા જીઆરડી જવાનો પણ બેલગામ બનતા જાય છે અને નાનાં વાહન ચાલકો ને સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરવામાં આવ્યા હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. અત્યારે આ કિસ્સામાં પાંચ જીઆરડી જવાનોનો સાથ ન હોત તો કદાચ મૃતક યુવાનની હત્યા સુધી વાત પહોંચી ન હોત તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text