વાંકાનેરના રાતીદેવળી ગામે ખાણમાં હેવી બ્લાસ્ટિંગ થવાથી ગ્રામજનો ભયભીત

 

અગાઉ ગ્રામજનોની રજૂઆતના પગલે રાજકોટ કલેક્ટરે બ્લાસ્ટિંગ નહીં કરવાનો કરેલ હુકમ : રાજકોટ કલેકટરના હુકમની અવગણના કરતાં લીઝ હોલ્ડરો

વાંકાનેર : મોરબી જીલ્લામાં ખાણ ખનીજ ખાતું મોટાભાગે નિષ્ક્રિય જોવાં મળે છે અને મોટાભાગની ફરિયાદોનો વ્યાજબી નિકાલ કરતું નથી કે ક્યારેક એકાદ કેસ બતાડી મોટો દેખાડો કરી સબ સલામતના ગાણાં ગાતાં રહે છે. મોટાભાગના કેસોમાં ગેરકાયદેસર ખનનમાં ખાણ ખનીજ કર્મચારીઓની મિલીભગત કે છુપા આશીર્વાદથી ખનન ધમધમી રહ્યું છે. એ ઉપરાંત ખાણ ખનીજના કાયદેસરના કમાઉ દીકરા બને છે લીઝ હોલ્ડરો કારણકે એકવાર લીઝ પાસ થયા બાદ ત્યાં કેટલા પ્રમાણમાં ખોદકામ થાય છે કે સરકારી નીતિ રીતિ થી કામ થાય છે તે જોવાનું ખાણ ખનીજ ખાતુ ક્યારેય તસ્દી લેતું નથી અને તેની ફરિયાદો સામે આંખ આડા કાન કરવામાં આવે છે (જેનું વળતર તેમને રેગ્યુલર મળતું રહે છે) આવો જ એક કિસ્સો મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં જોવા મળેલ છે જેમાં રાજકોટ કલેકટર દ્વારા બ્લાસ્ટિંગ ન કરવાં અને ખાણકામ બંધ કરવાનો હુકમ કરવામાં આવેલ હોવા છતાં મોરબી ખાણ ખનીજ દ્વારા ક્યાં નિયમો અંતર્ગત આ લિઝ ચાલુ કરવામાં આવી? આ પ્રશ્ન ખાણ ખનીજ ખાતા પર શંકા પ્રેરે છે.

બનાવની વિગત વાર વાત કરીએ તો વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ગુજરાત સરકાર દ્વારા સીલીકાસેન્ડ અને ફાયર ક્લેની લીઝ બળવંત ગોકળ વોરા અને દયાબેન બળવંત વોરાને ૪-૪ હેક્ટર ની બે લિઝ ફાળવવામાં આવેલ છે જે લિઝ સંદર્ભે શરૂઆતથી જ ગામતળની નજીક હોય અને લીઝ માં હેવી બ્લાસ્ટિંગનો ઉપયોગ થતો હોય ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવેલ જેમાં તા. ૨૮/૦૬/૦૭, તા. ૩૦/૦૯/૦૮ અને તા. ૦૨/૦૧/૦૯ ના રોજ રાતીદેવળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં પણ આ અંગે ઠરાવ પસાર કરી બ્લાસ્ટિંગ ન કરવાં અને લીઝ રદ કરવાં માટે વાંકાનેર મામલતદાર તેમજ રાજકોટ જિલ્લા કલેકટરને માહિતગાર કરવામાં આવેલ તે ઉપરાંત ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવેલ તેમજ બહોળી સંખ્યામાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપેલ જેના અનુસંધાને વાંકાનેર મામલતદાર દ્વારા પત્ર નં. મેજી/૫૪૦૬ તા. ૨૨/૧૨/૦૮ થી ભૂસ્તર શાસ્ત્રી અને રાજકોટ કલેકટરને જાણ કરી લિઝ રદ કરવા અંગે આગળની કાર્યવાહી કરવા જણાવેલ. આ ઉપરાંત વાંકાનેરના ધારાસભ્યે પણ અવારનવાર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી હેવી બ્લાસ્ટિંગથી ગ્રામજનોમાં ભયનો માહોલ તેમજ ખાનગી અને સરકારી મિલ્કતને થતાં નુકશાન અંગે જાહેર હિતમાં તાત્કાલિક આ લીઝ બંધ કરવા અંગે જણાવવામાં આવેલ. આમ ગ્રામજનોની રજૂઆત, ગ્રામસભાના ઠરાવો અને વાંકાનેર મામલતદારના અભિપ્રાય જોતાં રાજકોટ કલેકટર દ્વારા લીઝ માં બ્લાસ્ટિંગ ન કરવાં માટે હુકમ કરવામાં આવેલ જે હુકમને લીઝ હોલ્ડર દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવતાં હાઈકોર્ટ દ્વારા પણ લીઝ હોલ્ડરને ઓરલ ઓર્ડર આપવામાં આવેલ કે લીઝ વિસ્તાર ગામતળથી નજીક હોય અને લોકોની જાનમાલને હેવી બ્લાસ્ટિંગથી ખતરો હોય કલેકટર દ્વારા જે હુકમ કરવામાં આવે તે માન્ય રાખવાનો હુકમ કરેલ. બાદ રાજકોટ કલેકટરના પત્ર નં. જીકમ-રાજ-ફરિયાદ-રાતીદેવળી-૦૮-૦૯ તા. ૨૦/૦૪/૦૯ થી લિઝ હોલ્ડરને ખાણકામ માટે બ્લાસ્ટિંગ નહીં કરવા સૂચના આપતાં માહે મે-૦૯ થી ખાણકામ બંધ કરવાં જણાવવામાં આવેલ.

જેથી ખાણમાં બ્લાસ્ટિંગ બંધ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો અને ગ્રામજનોને ન્યાય મળવાનો સંતોષ થયેલ પરંતુ લિઝ હોલ્ડર દ્વારા રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લો અલગ થતાં સરકારી રેકર્ડમાં ખાણ ખનીજના કર્મચારીઓ સાથે મીલીભગત કરી આ ખાણ પાછી ચાલુ કરેલ અને હાલ આ લીઝ વિસ્તારમાં હેવી બ્લાસ્ટિંગ કરવામાં આવતાં ગ્રામજનો દ્વારા તા. ૧૮/૦૬/૧૯ ના રોજ મોરબી કલેકટર અને કમિશ્નર ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરને લેખિત ફરિયાદ આપેલ કે માઇનિંગમાં થતાં હેવી બ્લાસ્ટિંગથી પારાવાર જાનમાલને તથા જાહેર હિતને તેમજ પર્યાવરણને નુકસાન થવાથી લીઝ રદ કરવી. બ્લાસ્ટિંગના લીધે બાજુમાં આવેલ ગામતળમાં મકાનો, મસ્જિદ તથા ૯૦ મીટરની ત્રિજ્યામાં સ્ટેટ હાઇવેનો પુલ ગંભીર ક્ષતિગ્રસ્ત થયેલ છે. બંને લીઝોની આજુબાજુમાં વાડી વિસ્તારમાં હેવી બ્લાસ્ટિંગથી બોરના અને કૂવાના પાણીનાં વહેણ બદલતાં હોવાથી ખેતીમાં પારાવાર નુકસાન વેઠવું પડે છે આ ઉપરાંત નદીમાં સરકારશ્રી દ્વારા લાખોના ખર્ચે ચેકડેમ બનાવેલ જેમાં ઢોરઢાંખર ને પાણી પીવા તથા ગ્રામજનોને નાવા ધોવા માટેના ઘાટ હતા તે બંને ચેકડેમને પૂર્ણ નુકશાન થયેલ છે જેનો ખર્ચ પણ લીઝ હોલ્ડર પાસેથી વસૂલવામાં આવે તદ ઉપરાંત ગામનું વરસાદી પાણી જે રસ્તેથી નદીમાં જાય છે ત્યાં લિઝ હોલ્ડર દ્વારા આડો બંધ બાંધી પોતાનો પ્રાઇવેટ વે-બ્રિજ બનાવેલ જે જગ્યા ગૌચરની હોય પેશકદમીનો કેસ દાખલ કરવો તેમજ ગામનું પાણી રોકાતુ હોય આ અંગે યોગ્ય કરવા જણાવેલ છે.

અરજીના અંતે ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે કે આ બાબતે તાત્કાલિક ઘટતું કરવામાં નહીં આવે તો ગ્રામજનો માલઢોર લઈ વાંકાનેર પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીને ઘેરાવ કરવામાં આવશે, રસ્તા રોકવામાં આવશે અને જરૂર પડ્યે અનશન પણ કરવામાં આવશે તેમજ સમય આવ્યે આત્મવિલોપન કરવા પણ તૈયાર હોવાનું જણાવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લીઝ હોલ્ડરને રાજકોટ કલેકટર દ્વારા બ્લાસ્ટિંગ ન કરવાં હુકમ કરેલ હોવા છતાં લીઝ હોલ્ડરને હેવી બ્લાસ્ટિંગનો માલસામાન કોણ પૂરો પાડી રહ્યું છે? જો આ બાબતની જિલ્લા કલેકટર ઉપરાંત મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા અંગત દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર બ્લાસ્ટિંગ સપ્લાયનું પણ મોટું રેકેટ હાથ લાગે તેવી શક્યતા હોવાની સંભાવના છે. અગાઉ વાંકાનેરના વસુંધરાના લીઝ વિસ્તારમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગનો માલ રાત્રિના સમયે ફૂટવાથી મજૂરોના મોત થયેલ.