હળવદમાં ખરીફ કૃષિ મહોત્સવનો ફિયાસ્કો : નીવૃત અધિકારીએ ખેડૂતોને ખાઉંધરા કહેતા રોષ

- text


માત્ર ગણ્યા ગાંઠ્યા હાજર રહેલા ખેડૂતોએ ચાલુ કાર્યક્રમેં ચાલતી પકડતા અધ્ધવચ્ચે જ કાર્યક્રમ પૂરો કરી દેવો પડ્યો : વધુ સંખ્યા દેખાડવા મજૂરો અને આંગણવાડીની બહેનોને જોતરી દેવા છતાં ખુરશીઓ ખાલી રહી : સરકારી તંત્રની પોલ છતી ન થાય તે માટે મીડિયા કર્મીઓને દૂર રખાયા

હળવદ : હળવદમાં આજે યોજાયેલા ખરીફ કૃષિ મહોત્સવમાં સ્થાનિક તંત્રએ અનેક પ્રકારની ખામીઓ રાખી દેતા આ કૃષિ મેળાનો ફિયાસ્કો થયો હતો.જોકે માત્ર ગણ્યા ગાંઠ્યા ખેડૂતો જ રહેતા સંખ્યા દેખાડવા માટે મજૂરો અને આંગણવાડી વર્કરને બેસાડી દેવા છતાં ખુરશીઓ ખાલી રહેતા આ કૃષિ મેળામાં કાગડા ઉડયા હતા.ખેડૂતો અધ્ધવચ્ચે જ ચાલતી પકડતા સ્ટેજ પર થી એક નીવૃત અધિકારીએ ખેડૂતને ખાઉંધરા કહેતા ભારે હોબાળો મચી ગયો હતો.

હળવદમાં આજે યોજયેલો કૃષિ મેળો એકદમ ફારસરૂપ અને તાયફો બની રહ્યો હતો.આ કૃષિ મહોત્સવનું આયોજન જ ઢંગધડા વગરનું હતું.જોકે રાજ્ય સરકારની સૂચના હોવાથી આ કૃષિ મેળો યોજવો પડ્યો હતો.બાકી સ્થાનિક તંત્રને આ કૃષિ મેળાનું આયોજન કરવામાં કોઈ રસ હતો નહિ.એવું સરકારી તંત્રની આયોજનમાં રહી ગયેલી ઘણી ખામીઓથી પુરવાર થયું છે .એકંદરે આ કૃષિ મેળામાં સ્થાનિક તંત્રની બેજવાબદારી અને લાપરવાહી આખે ઉડીને વળગી હતી.

- text

હળવદના માર્કેટીંગ યાર્ડમાં આજે ખરીફ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પૂર્વ મંત્રી જયતિભાઈ કવાડિયા તથા જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ સ્થાનિક તંત્રે આ કૃષિ મેળાના આયોજનમાં એટલી બધી ખામીઓ રાખી દીધી હતી કે જેને કારણે આ કૃષિ મેળો હેતુ તો સર કરી શક્યો નથી પણ હાસ્યસ્પદ બની ગયો હતો.જેના માટે આ આયોજન થયું હતું તે ખેડૂતો ગણ્યા ગાંઠ્યા આવ્યા હતા.એથી ખુરશીઓ ખાલી ન લાગે તે માટે માર્કેટીંગ યાર્ડના મજૂરો અને આંગણવાડીની બહેનોને બેસાડી દેવામાં આવી હતી.તેમ છતાં ખુરશીઓ ખાલી રહેતા તંત્રનું ભોપાળુ છતું થયું હતું.

જોકે આયોજનમાં રહેલી ઉણપ બહાર ન આવે તે માટે મીડિયા કર્મીઓને દૂર રખાયા હતા.જ્યારે માત્ર ગણ્યા ગાંઠ્યા આવેલા ખેડૂતોને આ કાર્યકમ કંટાળા જનક લાગતા ચાલતી પડકી હતી.તેથી અધવચ્ચે કાર્યક્રમ પૂરો કરી દેવાની ફરજ પડી હતી.આટ આટલી બેદરકારી રાખી તે ઓછી હોય તેમ એક નીવૃત અધિકારી મહાશય તંત્રની બેજવાબદારીના દોષનો ટોપલા ખેડુતો પર ઢોળીને મંચ ઉપરથી ખેડૂતોને ખાઉધરા કહેતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.જ્યારે મોટાભાગના સરકારી કાર્યક્રમો દેખાવ પૂરતા જ હોય છે અને તંત્રને માત્ર ઔપચારિકતા જ નિભાવવાની હોય છે.પણ હળવદનું તંત્ર તે પણ ચુકી ગયું હતું.

- text