મોરબી : સીરામીક એકમોના એમજીઓની લિમિટ વધારવાની કામગીરી શરૂ કરતી ગેસ કંપની

- text


અંદાજીત 3 દિવસની અંદર કામગીરી પૂર્ણ થઈ જશે : હવે પીપળી રોડ ઉપરના 21 જેટલા સીરામીક એકમોને એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો નહિ પડે

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલા સીરામિક એકમોમાં એમજીઓની લિમિટ વધારવા માટે સીરામીક એસોસિએશન દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે ગેસ કંપનીએ એમજીઓની લિમિટ વધારવાની કામગીરી શરૂ કરી દીધી છે. અંદાજીત ત્રણેક દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ જવાની છે. ત્યારબાદ સીરામીક એકમોને વધુ ગેસના એક્સ્ટ્રા ચાર્જમાંથી મુક્તિ મળશે.

મોરબીમાં અગાઉ ગેસની સપ્લાયમાં મોટાપાયે ધાંધિયા સર્જાયા હતા. જેને નિવારવા માટે ગેસ કંપનીએ રેકોર્ડબ્રેક સમયમાં પાંચ કિમીની ગેસની પાઈપલાઇન નાખી હતી. આ પાઈપલાઇન નખાયા બાદ ગેસ કંપનીએ થોડો સમય માટે ગેસની સપ્લાય ઉપર કાપ પણ મુક્યો હતો. તાજેતરમાં આ કાપ હટાવીને ગેસ કંપનીએ પૂરતો ગેસ સપ્લાય કરવા પોતે સક્ષમ હોવાનું પણ જાહેર કર્યું હતું. તેમ છતાં ગેસ કંપનીએ અનેક ઉદ્યોગોપતિઓની અરજીઓ મળી હોવા છતાં એમજીઓની મર્યાદામા વધારો કર્યો નથી. અનેક સીરામીક ઉદ્યોગોએ એમજીઓની લિમિટ વધારવા માટે ગેસ કંપનીને રજુઆત કરી છે. તેમ છતાં ગેસ કંપની એમજીઓની મર્યાદા ન વધારીને નોન એમજીઓમાં ગેસ સપ્લાય કરીને રૂ. 5નો એક્સ્ટ્રા ચાર્જ મેળવીને મહિને રૂ. 50 લાખની લૂંટ ચલાવી રહી હોવાના સીરામીક ઉદ્યોગપતિઓએ આક્ષેપ કર્યા હતા.

ઉપરાંત આ મામલે ગત રાત્રે મોડે સુધી સીરામીક એસોસિએશન દ્વારા ગેસ કંપનીમાં રજૂઆતોનો દોર પણ ચાલ્યો હતો. જેના અનુસંધાને ગેસ કંપનીએ આજે જાહેરાત કરી છે કે પીપળી રોડ પરથી અંદાજે 21 સીરામીક ઉદ્યોગોએ એમજીઓની લિમિટ વધારવાની અરજી કરી છે. જેને માન્ય રાખીને એકમોને ખપત થતો હોય એટલા ગેસનો એમજીઓ વધારી આપવામાં આવશે. આ માટેની કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે.

- text

આ મામલે ગેસ કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી પીપળી રોડ ઉપર નેટવર્ક સ્ટ્રોંગ ન હોવાથી એમજીઓની લિમિટ વધારવામા આવી ન હતી. પરંતુ સીરામીક એકમોની પ્રબળ માંગ ઉઠતા નેટવર્કની વિશેષ તકેદારી રાખવાની સૂચના સાથે એમજીઓ લિમિટ વધારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.પીપળી રોડ ઉપરથી કુલ 21 જેટલા સીરામીક એકમોની એમજીઓની લિમિટ વધારવાની અરજીઓ મળી છે. આ કાર્યવાહી અંદાજે 3 દિવસ સુધી ચાલવાની છે.

વોલટાઇલ્સ સીરામીક એસોસિએશનના સેક્રેટરી મણીભાઈ બાવરવાએ આ અંગે કહ્યું કે ગેસ કંપની દ્વારા પીપળી રોડ ઉપર નબળું નેટવર્ક હોવાનું બહાનું ધરી દેવામાં આવે છે. અગાઉ 3 મહિના સુધી ગેસની તકલીફ રહી હતી. ગેસ કંપનીએ પાઇપલાઇન પણ નાખી હતી. તો આ દરમિયાન નેટવર્કને વ્યવસ્થિત કરવાની કામગીરી કેમ ન કરી તે મોટો પ્રશ્ન છે. વધુમાં ગેસ કંપનીએ કોઈ ટેકનીકલ એક્સપર્ટ પાસેથી યોગ્ય સલાહ લઈને આ ફોલ્ટ દૂર કરવાની જરૂરિયાત છે. ઉપરાંત ગેસ કંપની પીપળી રોડ પરના સીરામીક એકમોને ગેસની જરૂરિયાત પ્રમાણે એમજીઓની લિમિટ વધારી દયે તો સીરામીક એકમોને સરળતા રહે.

- text