મોરબીમાં ગેસ કંપની એમજીઓની લિમિટ ન વધારીને રૂ. 50 લાખની લૂંટ ચલાવતી હોવાની રાવ

પૂરતો ગેસ આપવા સક્ષમ હોવાનું જાહેર કર્યા બાદ પણ ગેસ કંપની એમજીઓની લિમિટ વધારવામાં ડાંડાઈ કરીને નોન એમજીઓમા ગેસ સપ્લાય કરી સીરામીક ઉદ્યોગો પાસેથી રૂ. 5નો એક્સ્ટ્રા ચાર્જ લઈને લૂંટ ચલાવી રહી હોવાનો ઉદ્યોગકારોનો સણસણતો આક્ષેપ

મોરબી : મોરબીમાં ગેસ કંપનીએ અગાઉ તેઓ પૂરતા પ્રમાણમાં ગેસ સપ્લાય કરવા માટે સક્ષમ છે તેવું જાહેર કર્યું હોવા છતાં એમજીઓની લિમિટ ન વધારીને નોન એમજીઓમા ગેસનું સપ્લાય કરીને ગેસ કંપની રૂ. 5નો એક્સ્ટ્રા ચાર્જ વસુલી રોજના રૂ. 50 લાખની લૂંટ ચલાવતી હોવાનો સીરામીક ઉદ્યોગપતિઓએ સણસણતો આક્ષેપ કર્યો છે. ઉપરાંત ગેસ કંપનીના અધિકારીઓ સામે સરકાર પગલાં લે તેવી પણ માંગ ઉઠાવી છે.

મોરબીમાં અગાઉ ગેસની સપ્લાયમાં મોટાપાયે ધાંધિયા સર્જાયા હતા. જેને નિવારવા માટે ગેસ કંપનીએ રેકોર્ડબ્રેક સમયમાં પાંચ કિમીની ગેસની પાઈપલાઇન નાખી હતી. આ પાઈપલાઇન નખાયા બાદ ગેસ કંપનીએ થોડો સમય માટે ગેસની સપ્લાય ઉપર કાપ પણ મુક્યો હતો. તાજેતરમાં આ કાપ હટાવીને ગેસ કંપનીએ પૂરતો ગેસ સપ્લાય કરવા પોતે સક્ષમ હોવાનું પણ જાહેર કર્યું હતું. તેમ છતાં ગેસ કંપનીએ અનેક ઉદ્યોગોપતિઓની અરજીઓ મળી હોવા છતાં એમજીઓની મર્યાદામા વધારો કર્યો નથી. અનેક સીરામીક ઉદ્યોગોએ એમજીઓની લિમિટ વધારવા માટે ગેસ કંપનીને રજુઆત કરી છે. તેમ છતાં ગેસ કંપની એમજીઓની મર્યાદા ન વધારીને નોન એમજીઓમાં ગેસ સપ્લાય કરીને રૂ. 5નો એક્સ્ટ્રા ચાર્જ મેળવીને રોજના રૂ. 50 લાખની લૂંટ ચલાવી રહી હોવાના સીરામીક ઉદ્યોગપતિઓએ આક્ષેપ કર્યા છે.

આ મામલે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે છેલ્લા 3 મહિનાથી આ ઇસ્યુ ચાલી રહ્યો છે. ગેસ કંપની દ્વારા સમયાંતરે પોતે પૂરતો ગેસનો જથ્થો પૂરો પાડવા માટે સક્ષમ હોવાની ખોટી વાતો મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી રહી છે. હાલ મોરબીના સીરામીક ઉદ્યોગો જે ગતિએ આગળ વધી રહ્યા છે.તેને પ્રોત્સાહન આપવાની જગ્યાએ ગેસ કંપની દ્વારા તેમને નુકશાન કરવામાં આવી રહ્યું છે. એમજીઓની લિમિટેશન વધારવા માટે અનેક સીરામીક એકમો દ્વારા ગેસ કંપનીને રજુઆત કરાઈ છે. તેમ છતાં ગેસ કંપનીએ લૂંટ ચલાવવા માટે એમજીઓની લિમિટ વધારી નથી.

વધુમાં તેઓએ જણાવ્યું કે હાલ નોન એમજીઓમા 1 લાખ ક્યુબીક મિટર ગેસની સપ્લાય થઈ રહી છે. જેની ઉપર રૂ. 5નો એક્સ્ટ્રા ચાર્જ વસૂલીને ગેસ કંપની 50 લાખની ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. ખાસ કરીને આ સમસ્યા પીપળી રોડની ગેસ લાઈનમાં જોવા મળી રહી છે. એક તરફ સીરામીક ઉદ્યોગમા ટકી રહેવા માટે ઉદ્યોગકારો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં ગેસ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઉઘાડી લૂંટથી ઉદ્યોગકારોની હાલત કફોડી બની ગઈ છે.

આ અંગે સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું કે અગાઉ 21 એપ્રિલના રોજ ગેસ કંપનીએ 5800નો એમજીઓ કર્યો હતો. ત્યારબાદ તેને વધારીને 6500 બાદમાં 7500નો એમજીઓ કર્યો છે. હાલ સીરામીક એકમોને આ એમજીઓ લિમિટ વધારવી છે. પરંતુ ગેસ કંપની દ્વારા આ લિમિટમા વધારો કરવામાં આવતો નથી. હાલ પીપળી રોડ પર આવેલા તેમજ અન્ય સીરામીક એકમોને નોન એમજીઓ ગેસની સપ્લાય કરીને ગેસ કંપની દ્વારા રૂ. 5નો એકસ્ટ્રા ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે.

સૂત્રોમાંથી મળતી વિગત મુજબ હાલ આ પ્રશ્ને તમામ સીરામીક ઉદ્યોગકારો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ગેસ કંપની દ્વારા એમજીઓની લિમિટ વધારવામાં નહિ આવે તો સીરામીક ઉદ્યોગપતિઓ આગામી દિવસોમા ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

પીપળી રોડ ઉપર ગેસ નેટવર્કની સાવધાની માટે એમજીઓની લિમિટ વધારાઇ નથી : ગેસ કંપનીના અધિકારીનો ખુલાસો

આ અંગે ગેસ કંપનીના અધિકારી સંતોષ ઝોપેએ જણાવ્યું કે આ આક્ષેપો ખોટા છે. ગેસ કંપની મોટા ભાગનો ધંધો જે વિસ્તારમાં છે. ત્યાં સીરામીક કંપનીઓના એમજીઓની લિમિટ વધારી દેવામાં આવી છે. પીપળી રોડ ઉપર તો ગેસ સપ્લાય ખૂબ ઓછા પ્રમાણમાં છે. જો ગેસ કંપનીએ એમજીઓની લિમિટ ન વધારીને એક્સ્ટ્રા ચાર્જની ઇન્કમ જ કરવી હોય તો પીપળી રોડ સિવાયના સીરામીક ઉદ્યોગોની એમજીઓની લિમિટ વધારી ન હોત. વધુમાં તેઓએ જણાવ્યું કે પીપળી રોડ ઉપર નેટવર્કની સાવધાનીને ધ્યાને રાખીને એમજીઓની લિમિટ વધારવાની કાર્યવાહી સ્થગિત રાખી દેવામાં આવી છે. સીરામીક ઉદ્યોગોને ગેસ અંગેની કોઈ તકલીફ ન પડે તેવા અમારા પ્રયાસો ચાલુ જ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne