મોરબી : નવેમ્બરમાં સિરામિકસ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન, જાણો વધુ વિગત

વાઇબ્રન્ટ સીરામીક એક્સપો 2017ની ભવ્ય સફળતા બાદ નવેમ્બર 2019માં ફરીથી સીરામીક એક્સપોનું ભવ્ય આયોહાન : દેશ- વિદેશના ૨૦૦૦ થી વધુ બાયર્સનો મેળાવડો જામશે : સીરામીક એક્સપોના આયોજક સંદીપ પટેલે ‘મોરબી અપડેટ’ની શુભેચ્છા મુલાકાતમાં આપી સંપુર્ણ વિગતો

મોરબી સિરામિક ઉદ્યોગો માટે અમેરિકાની માર્કેટમાં વિપુલ તક : ચીન ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી લાગ્યા બાદ અમેરિકાનું સમગ્ર માર્કેટ બ્રાઝીલ અને ભારતના હવાલે, જો આપણે મોડું કરીશું તો બ્રાઝીલ માર્કેટ કવર કરી લેશે : સંદીપ પટેલ

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગો માટે હાલ અમેરિકાની માર્કેટમાં વિપુલ તકો ઉભી થઇ છે. ત્યારે અમેરિકાના ઇમ્પોર્ટરોને ખાસ ટારગેટ કરીને આગામી નવેમ્બર માસમાં તા. 21 થી 24 સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્સ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે. જે અંગે વિસ્તૃત વિગતો આપવા માટે આ એક્સપોના આયોજક સંદીપ પટેલે ‘ મોરબી અપડેટ’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલે ‘મોરબી અપડેટ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગો માટે હાલના સમયમાં પુષ્કળ તક છે. દુનિયામા ખૂબ ઓછા દેશ છે જે સીરામીક પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરી શકે છે. સીરામીક ઉદ્યોગમાં કોસ્ટ ફેક્ટર ખૂબ અસરકારક હોય છે. તેમજ રો મટિરિયલ્સની ઉપલબ્ધી પણ સરળ હોતી નથી. મોરબીમાં સીરામીકનું ક્લસ્ટર કુદરતી રીતે ઉભું થયું છે.

હાલ ચીનની સાથોસાથ તુર્કી અને બ્રાઝીલ પણ સીરામીક પ્રોડક્ટનુ મેન્યુફેક્ચરિંગ કરે છે. સીરામીક પ્રોડક્શનમા ચીન પ્રથમ નંબરે અને આપણે બીજા નંબર પર છીએ. હાલ આપણું જે બીજા નંબરનું સ્થાન જાળવી રાખવા માટે વધુમાં વધુ એક્સપોર્ટ કરવુ પડશે. સીરામિક ઉદ્યોગો માટે એક્સપોર્ટની વિપુલ તકો રહેલી છે. જો એક્સપોર્ટમાં સફળ નિવડીએ તો મોરબીની તમામ સીરામીક ફેક્ટરીઓમાં ૨૪ કલાક પ્રોડક્શન ચાલુ રહે તો પણ ડિમાન્ડને પહોંચી ન શકી તેવી સ્થિતિ પણ ઉદભવી શકે છે.

સંદીપ પટેલે વધુમાં કહ્યું કે ડિમાન્ડ સપ્લાય કરતા વધુ હોય તો પ્રોડક્ટના ભાવ વધે છે. જ્યારે સપ્લાય ડિમાન્ડ કરતા વધુ હોય ત્યારે ભાવ ઘટે છે. તે માર્કેટનો પાયાનો નિયમ છે. મોરબી સીરામીકનું મેન્યુફેક્ચરિંગ છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ૧૨ ટકા વધી રહ્યું છે. જ્યારે આપણા દેશની જરૂરિયાત માત્ર ૩ ટકા જ વધી રહી છે. આ બન્ને વચ્ચેનો જે ૯ ટકા તફાવત આવે છે તેને એક્સપોર્ટમા ડાયવર્ટ કરવાની ખાસ જરૂર છે. વધુમાં એક્સપોર્ટમાં ૯ ટકાથી આગળ વધીને જો ૩૦ ટકાએ પહોંચ્યા તો ચીનને પાછળ મુકી દેશું.

તેઓએ ઉમેર્યું કે હું તો દરેક મેન્યુફેક્ચર યુનિટને કહું છું કે પોતાના પ્રોડક્ટની ૭૦ ટકા સપ્લાય દેશમાં અને ૩૦ ટકા સપ્લાય એક્સપોર્ટ કરવી જોઈએ. મેન્યુફેકચર યુનિતને એક્સપોર્ટ કરવાનું વિપુલ તક મળે તે માટે જ હું સીરામિક એક્સપો યોજીને એક પ્લેટફોર્મ પૂરું પાડું છું. જેના પર મેન્યુફેક્ચર અને બાયર બન્ને એકત્રિત થઈ શકે.

નવેમ્બર માસમાં ગાંધીનગર ખાતે સીરામીક એક્સપો યોજવાનો છે તેના સંદર્ભે ગઈકાલે જ એક્ઝિબીટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ખૂબ સરસ વાત ઉપસ્થિત તમામ સમક્ષ મૂકી હતી. તેઓએ કહ્યું હતું કે આપણે રાજકોટ તરફ કારમાં જતા હોય ત્યારે જો કોઈ એક નાસ્તાની લારી ઉભી હોય તો આપણે ધ્યાન આપતા નથી. પરંતુ એક સાથે ૧૦ -૧૨ લારી ઉભી હોય તો આપણું ધ્યાન તુરંત જ ખેંચાશે. આપણે પેલી લારીને જોશું, ત્રીજી લારી જોઈને કુતુહલ સર્જાશે. બાદમાં પાંચમી કે સાતમી લારી પાસે આપણે કાર ઉભી રાખીને કોઈક વસ્તુ ખરીદી જ લેશું. આ સમૂહની તાકાત છે.

વધુમા સંદીપ પટેલે જણાવ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ સામે ક્લસ્ટર રિપ્રેસન્ટ કરવુ હોય ત્યારે સમૂહમાં રહેવું જરૂરી છે. આપણી ૧૦૦ થી ૧૫૦ કંપનીઓ એક પ્લેટફોર્મ ઉપર એકસાથે ઉભી હશે તો સમગ્ર વિશ્વની નજર આપમેળે ખેંચાવાની જ છે. જો સમૂહ એકઠો થાય તો આપણે વિદેશી ઈમ્પોર્ટરને કહી શકી કે તમે અમારે ત્યાં આવો , તમારો ધક્કો વસુલ થશે.

વર્ષ ૨૦૧૬મા સીરામીક એક્સપો શરૂ કર્યો તે એક્સપોર્ટને પ્રમોટ કરવાના હેતુ થી જ કર્યો હતો. વર્ષ ૨૦૧૬ બાદ એક્સપોર્ટમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો પણ નોંધાયો છે. ૨૦૧૬ના એક્સપોમાં નજીકના દેશો જેવા કે શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશને ટારગેટ કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૭ના એક્સપોમા આગળ વધીને યુરોપ અને આફ્રિકન દેશોને ટારગેટ કર્યા હતા. જ્યારે આ વર્ષે ૨૦૧૯ના એક્સપોમાં નોર્થ અને સાઉથ અમેરિકાના દેશોને ટારગેટ કરવામાં આવ્યા છે. જુના દેશો સાથે હાલ ડિલિંગ ચાલુ જ છે. આમ દર વર્ષે નવા નવા દેશો શોધી તેની સાથે વ્યાપાર કરવાનો છે.

સંદીપ પટેલે જણાવ્યું કે અમેરિકામાં ટાઇલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે એક માત્ર સીરામીક ટાઇલ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન (CTDA) છે. જેના ૬૦૦ થી વધુ મેમ્બર્સ છે. તેની સાથે અમે ટાઈઅપ કર્યું છે. ૧૫૦ થી વધુ બાયર્સ સાથે સીરામીક એક્સપોમાં આવવાની આ એસોસિએશને ખાતરી આપી છે. આપણે જેટલુ સીરામીક પ્રોડક્શન કરીએ છીએ. તેનાથી ૨૫ ટકા વધુ અમેરિકા ઈમ્પોર્ટ કરે છે. આ ડિમાન્ડ એટલી મોટી છે કે મોરબીની તમામ સીરામીક ફેકટરીઓ ૨૪ કલાક પ્રોડક્શન ચાલુ રાખે તો પણ તેને પહોંચી વળાઈ તેમ નથી.

હાલ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યો છે. ચીનની પ્રોડક્ટ ઉપર એન્ટિડમપિંગ ડ્યુટી લાગી રહી છે. ત્યારે મોરબીના સીરામીક ઉદ્યોગો માટે અમેરિકામા પ્રવેશવાની આ શ્રેષ્ઠ તક છે. અમેરિકા ૨૭ ટકા જેટલું ઈમ્પોર્ટ ચીનથી કરે છે. ૨૫ ટકા જેટલું ઈમ્પોર્ટ યુરોપથી કરે છે. ૩૦ ટકા ઈમ્પોર્ટ બ્રાઝિલથી કરે છે. જો હવે ચીનનું માર્કેટ કબ્જે કરવું હોય તો આપણી સાથે બ્રાઝીલ કોમ્પિટિશનમા છે. જેથી જો આપણે મોડા પડશું તો બ્રાઝીલ માર્કેટ કવર કરી લેશે.

સંદીપ પટેલે ઉમેર્યું કે CTDA સાથે અમે ટાઈઅપ કર્યું છે. એટલે અમે ૧૫ સીરામીક ઉદ્યોગપતિઓનું ડેલીગેશન લઈને અમદાવાદ જવાના છીએ. ગઇકાલની એક્ઝિબીટર્સની મિટિંગમાં ૧૦ થી ૧૨ કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. ત્યાં અમેરિકામાં આપણા ઉદ્યોગપતિઓ સાથે માયામી અને ન્યુજર્સીમા રોડ શો કરવામાં આવશે. ત્યાંની માર્કેટ વિઝીટ કરવામાં આવશે. આમ આ ઉદ્યોગપતિઓ ત્યાનું માર્કેટ જોવે અને અહીં આવીને તેઓ અન્ય ઉદ્યોગપતિઓ સાથે તેની વિગતો શેર કરે બાદમાં બધા ઉદ્યોગપતિઓ એક્સપો માટે તમામ તૈયારીઓ કરીને સજ્જ બને તેવો હેતુ છે.

હાલ ઘણા નાના દેશો પણ છે. જ્યા સીરામીક માટે ખૂબ સ્કોપ છે. પરંતુ આજ સુધી તે કોઈના ધ્યાને આવ્યા નથી. ત્યારે અમે આવા નાના દેશોની પણ મુલાકાત લઈને તેની સાથે ટાઈઅપ કરી રહ્યા છીએ. આવા નાના દેશોમાથી પણ મોટી સંખ્યામાં બાયર્સ એક્સપોમા પધારવાના છે. આ એક્સપોનો મુખ્ય હેતુ વિશ્વ સમક્ષ મોરબીના સીરામીક ઉદ્યોગનો સંદેશો પહોંચાડવાનો છે. બાદમાં તેઓ અહીં સબંધ કેળવીને તેની મેળે આવતા જતા રહેશે.

નવેમ્બર માસમાં યોજાનારા સીરામીક એક્સપોનું પ્રમોશન જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ૨૦૦૦ બાયર્સ આવવાના છે. દુનિયાભરમાંથી રિસ્પોન્સ મળી રહ્યો છે. કારણકે તે લોકોને પણ મોરબીમાંથી સીરામીક પ્રોડક્ટ લેવામાં રસ છે. આ એક્સપોને આ વર્ષે ટેક્નિકલ લુક પણ આપવામાં આવશે. જેથી વિદેશીઓને પણ ખબર પડે કે ઇન્ડિયા હવે ડિજિટલ થઈ ગયું છે. વધુમાં ટેકનિકલ લુકથી સીરામીક ટાઇલ્સની પ્રોડક્ટ અંગે પણ બાયર્સમાં એક પોઝિટિવ મેસેજ જશે.

સંદીપ પટેલે જણાવ્યું કે સ્પેનના સેવિસામા દ્વારા ક્વોલિસેમ નામની મીટનું આયોજન થાય છે. જેમાં દુનિયાભરના મેન્યુફેક્ચર્સ અને નિષ્ણાંતો ભેગા થાય છે. આ મિટમા સીરામીક પ્રોડક્ટને વધુ સારી ગુણવતાવાળી કેમ બનાવવી તે અંગે ચર્ચાઓ થાય છે. તે લોકો આપણી સાથે મીટ કરવા માટે પણ તૈયાર થયા છે. આમ આપણા એક્સપોના પ્લેટફોર્મથી મેન્યુફેક્ચર્સને ક્વોલિસેમના મેમ્બર થવાની પણ તક મળશે.

સીરામીક ક્ષેત્રે આર્કિટેકોનું પણ ખૂબ મોટું પ્રદાન હોય છે. યુનાઇટેડ ઇન્ટરનેશનલ એસો. ઓફ આર્કિટેક જે વિશ્વભરના આર્કિટેકોનું એસોસિએશન છે. આ એસો.ની પેરિસમાં હેડ ઓફીસ છે. આપણે તેઓની સાથે પણ ટાઈઅપ કર્યું છે. તેઓએ આપણા એક્સપો માટે તમામ દેશોના સભ્યોને જાણ કરી દીધી છે. વધુમાં તેઓ ટોપ લીડિંગ ૧૦ આર્કિટેકોને લઈને સીરામીક એક્સપોમાં આવવાના છે. આ ઉપરાંત ઇન્ડિયાના પણ અનેક આર્કિટેકો મોટી સંખ્યામાં એક્સપોમાં ઉપસ્થિત રહેવાના છે.

વર્ષ ૨૦૧૬મા ગ્લોબલ આઉટપુટ ૧૨.૯ ટકા હતું. અત્યારે એ વધીને ૧૯ ટકાએ પહોંચ્યું છે. આવી જ રીતે આગળ વધતા રહ્યા તો ચાર વર્ષની અંદર ગ્લોબલ આઉટપુટ ૨૪ ટકાએ પહોંચી જશે. હાલ મોરબી સીરામીક ઇન્ટરનલ નહિ પણ અન્ય દેશો સાથે કોમ્પિટિશન કરે તે જરૂરી છે. આ એક્સપોના માધ્યમથી અમે એવો લક્ષ્ય રાખીએ છીએ કે ભારત સીરામીક ક્ષેત્રે ચિનને પાછળ રાખીને પ્રથમ સ્થાન હાંસલ કરે. મોરબીનું સીરામીક ક્લસ્ટર હવે લોકલ નથી રહ્યું. આ ક્લસ્ટર હવે આંતરરાષ્ટ્રીય બની ગયું છે.

વધુમાં સંદીપ પટેલે સરકાર તરફથી મળતા સહકાર અંગે જણાવ્યું કે નસીબ જોગે વડાપ્રધાન પદે આપણા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી છે. તેઓ પહેલેથી જ મોરબીના ચાહક રહ્યા છે..તેઓએ ૧૦ વર્ષ પૂર્વે જ ભવિષ્યવાણી કરી હતી કે મોરબીનું સીરામીક ક્લસ્ટર દુનિયાનું નંબર વન ક્લસ્ટર બનવાનું છે. તેઓ તરફથી હમેશા પોઝિટિવ રિસ્પોન્સ મળતો આવ્યો છે. વર્ષ ૨૦૧૭મા તેઓ આપણા એક્સપોમાં આવવાના હતા. પરંતુ આચારસંહિતાના કારણે તેઓ એક્સપોમાં આવ્યા ન હતા. આગામી નવેમ્બર માસમાં યોજાનારા એક્સપોમાં તેઓ આવે તેવી અમને આશા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne