મોરબી પાલિકાના ગેરેજ શાખાના કર્મચારીઓની હડતાલ આક્રમક બની : સોમવારથી ફાયરની સેવા બંધ કરવાનું એલાન

- text


ત્રણ દિવસથી હડતાલ ચલાવવા છતાં તંત્ર બે માસનો પગાર ન ચૂકતા કર્મચારીઓ આક્રમક બન્યા

મોરબી : મોરબી નગેપાલિકાના ગેરેજ શાખાના 47 કર્મચારીઓની વેતન મુદ્દેની હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત રહી છે.પગાર મુદ્દે ત્રણ દિવસથી હડતાલ ચલાવવા છતાં પાલિકા તંત્રની ઉંઘ ન ઉડતા આ કર્મચારીઓ આક્રમક બન્યા છે અને સોમવારથી હડતાલ વધુ જલદ બનાવીને ફાયરની આવશ્યક સેવા ખોરવી નાખવાનું એલાન કર્યું છે.

- text

મોરબી પાલિકાના ગેરેજ અને ફાયર વિભાગના કર્મચારીઓએ થોડા સમય પહેલા બે માસના પગાર ન મળવા મુદે હડતાલ પાડી હતી.પરંતુ તે સમયે પાલિકા તંત્રએ ખાતરી આપીને એક જ માસનો પગાર ચૂકવ્યો હતો.હવે ફરી બે માસનો પગાર ચડત થઈ જવા છતાં પાલિકા તંત્રએ પગાર ચુકવવાની કોઈ કાર્યવાહી ન કરતા ગુરુવારે પાલિકાના ગેરેજ શાખાના 47 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આજે ત્રીજા દિવસે પણ આ કર્મચારીઓએ આગની ઈમરજન્સી સેવા ચાલુ રાખીને બાકીની સેવાઓ બંધ કરીને હડતાલ યથાવત રાખી છે.આ અંગે ગેરેજ અને ફાયર શાખાના આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે,હડતાલ દરમ્યાન ગુરુવારે મધરાત્રે લાતીપ્લોટમાં આવેલ એક કેમિકલના કારખાનામાં આગ લાગતા ફાયર વિભાગે ત્યાં દોડી જઈને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આમ હડતાલ દરમ્યાન ઇમરજન્સી સેવાઓ ચાલું રાખીને ગેરેજ શાખામાં બેસીને જ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, આ ફાયરની અગત્યની કામગીરી માટે રાત દિવસ જોયા વગર કામ કરતા કર્મચારીઓને બે મહિનાથી તેમના હકનો પગાર મળ્યો નથી.આ અંગે ચીફ ઓફિસરને વાત કરતા તેમણે પાલિકા પ્રમુખને રજુઆત કરવાનું કહ્યું હતું.પાલિકા પ્રમુખ ખોટા આક્ષેપ કરીને આ કર્મચારીઓના પગાર ચૂકવવામાં રોડા નાખતા હોવાનો આરોપ મૂક્યો હતો.જોકે ત્રણ દિવસથી હડતાલ ચલાવવા છતાં પાલિકા તંત્રએ બે માસનો પગાર ચુકવવામાં કોઈ કાર્યવાહી ન કરતા આ ગેરેજ શાખાના કર્મચારીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે અને સોમવારથી આંદોલન વધુ જલદ બનાવવાની જાહેરાત કરી છે.કર્મચારીઓએ જણાવ્યું હતું કે,ત્રણ દિવસથી ચાલતી તેમની હડતાળમાં ફાયરની આવશ્યક સેવાઓ ચાલુ રાખી છે.તેમ છતાં પણ પાલિકા તંત્રની ઉંઘ ન ઉડતા હવે સોમવારથી આ ફાયરની પણ આવશ્યક સેવા બંધ કરવાનું એલાન કર્યું છે. ત્યારે આ મામલે પાલિકા તંત્ર કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું.

- text