મોરબીની વી.સી.ટેક. હાઈસ્કૂલે ધો. ૧૨ સા. પ્ર.માં શ્રેષ્ઠ પરિણામ મેળવી મેદાન માર્યું

- text


શાળાના 6 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવ્યા

મોરબી : આજે જાહેર થયેલા ધો. 12 – સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબીની સરકારી – ધી વી. સી. ટેકનીકલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવીને બોર્ડ પરિણામમાં શાળાની હેટ્રિક નોંધાવી છે. આજના સમયમાં જ્યારે ખાનગી શાળાઓ ઉંચી ફી વસૂલીને શિક્ષણનું વ્યાપારીકરણ કરી રહ્યા છે ત્યારે માત્ર હોશિયાર જ નહીં પરંતુ દરેક કક્ષાના વિદ્યાર્થીઓને એડમિશન આપી, અત્યંત નજીવી ફી લઈને ઉચ્ચ શિક્ષણ આપતી, 125 વર્ષ જૂની મોરબીની સરકારી વી. સી. ટેકનીકલ હાઈસ્કૂલ આજે પણ ખાનગી શાળાઓને ટક્કર આપતું પરિણામ મેળવતાં વિદ્યાર્થીઓ તૈયાર કરે છે.

આજના પરિણામમાં શાળાના કુલ 6 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓએ 90 PR થી વધુ ગુણ મેળવ્યા છે. જે પૈકી નામાંના મૂળતત્વો વિષયમાં 100 ગુણ અને આંકડાશાસ્ત્રમાં 99 ગુણ મેળવીને પરમાર રવિ કાળુભાઈએ 99.39 PR મેળવીને શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેના પિતા કડિયા કામ કરે છે. મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈના પુત્ર સંજય ચાવડા એ 99.13 PR મેળવીને શાળામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે સારેસા સાગર વિનોદભાઈએ 98.95 PR મેળવીને શાળામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જેના પિતા પણ કડિયા કામ કરે છે. શાળામાં 98.20 PR સાથે ચોથું સ્થાન પ્રાપ્ત કરનાર દવે મીરા ના પિતા પ્રદીપભાઈ ધાર્મિક વિધિના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત 97.53 PR મેળવનાર પરમાર માવજીના પિતા હિરજીભાઈ પણ કડિયાકામ કરે છે.

- text

આ ઉપરાંત મોચીકામ, ખેતમજૂરી કે લોટ દળવાની ઘંટીના કામ કરતાં વાલીઓના બાળકો જેમાં ગોપલાણી અંકિત દયાલભાઈએ 97.26 PR, ડાભી રાજલ મંગલભાઈએ 96.32 PR, નકુમ સચિન અશોકભાઈએ 96.32 PR, મકવાણા નવદીપ પરબતભાઈએ 95.85 PR, રોજાસરા આરતી કાંતિભાઈએ 95.65 PR, ઝાપડીયા જયશ્રી રાયધનભાઈએ 94.59 PR, જાડા જયશ્રી છગનભાઈએ 93.63 PR, જોશી ભવ્યેશ નરેન્દ્રભાઈએ 92.11 PR, સોલંકી કેતન વસંતભાઈએ 91.04 PR અને ગોહિલ નરેન્દ્ર અરવિંદભાઈએ 90.88 PR મેળવીને મોરબી જિલ્લામાં સરકારી શાળાનો દબદબો જાળવી રાખ્યો છે.

આ અગાઉ આ જ વર્ષે ધો. 12 સાયન્સમાં શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ, ધો. 10 માં શાળાના બે વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવીને જિલ્લામાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરકારી શાળાના આ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામો મેળવીને સરકારી શાળાની ઉચ્ચ કાર્યદક્ષતાનો પરિચય પૂરો પાડ્યો છે. સાવ નજીવી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી અને શિક્ષણ, સંસ્કાર અને સહકારના હેતુને ચરિતાર્થ કરતી આ સરકારી શાળા આજે પણ ખાનગી શાળાઓને હંફાવે તેવી કેટલીય બાબતોનો સમન્વય ધરાવે છે.જે આ પરિણામો પરથી જાણી શકાય છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય બી. એન. વીડજા સહિત સંપૂર્ણ શાળા પરિવારે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

- text