મોરબીના ઉદ્યોગકારોને ફાયર સેફટીની વ્યવસ્થા સ્વૈચ્છિક રીતે જાળવવા સિરામિક એસો.ની અપીલ

 

કર્મચારીઓની સલામતીને ગંભિરતાથી લઇને થોડો સમય કાઢી સમયાંતરે ફાયર સેફટીની વ્યવસ્થા ચેક કરવા માટે અનુરોધ કરતા પ્રમુખ નિલેશ જેતપરિયા

મોરબી : મોરબીના તમામ ઉદ્યોગકારોને ફાયર સેફટીની વ્યવસ્થા સ્વૈચ્છિક રીતે જાળવવા સિરામિક એસોસિએશને અપીલ કરી છે. વધુમાં એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા દ્વારા તમામ ઉદ્યોગકારોને કર્મચારીઓની સલામતીને ગંભિરતાથી લઇને થોડો સમય કાઢી સમયાંતરે ફાયર સેફટીની વ્યવસ્થા ચેક કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે સુરતમાં જે દુર્ઘટના સર્જાઈ છે. તે દુઃખદ છે. આવી કોઈ ઘટના કારખાનામાં કે ફેકટરીમાં ન બને તેની તમામ ઉદ્યોગકારોએ તકેદારી રાખવી જોઈએ. તમામ ઉદ્યોગકારોએ પોતાના કારખાનામા કે રેસીડેન્સીમા બિલ્ડરોના ભરોષે કે તંત્રના દંડની રાહ જોયા વગર સ્વૈચ્છિક રીતે પોતાના કર્મચારીઓ તેમજ અન્યની સલામતી માટે ફાયર સેફટીની વ્યવસ્થા જાળવવી જોઈએ. ઉપરાંત ઉદ્યોગકારોએ ખર્ચ સામે ન જોઈને કર્મચારીઓની સલામતીને પ્રાધાન્ય આપીને જાતે જ સમયાંતરે વ્યવસ્થાની ચકાસણી કરવી જોઈએ.