રાજકોટ ખાતે ગેરેજમાં લિફ્ટ નીચે દબાઈ જતા ટંકારાના બે આશાસ્પદ યુવાનના મોત

- text


કારને ઉપર-નીચે લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વજનદાર તોતીંગ લિફ્ટ માથે પડતા સર્જાઈ દુર્ઘટના

ટંકારા : ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક પાસે આવેલા કારના ગેરેજમાં એક જીવલેણ દૂર્ઘટના બની છે. જેમાં કારને ઉપર-નીચે લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વજનદાર તોતીંગ લિફટ નીચે દબાઇ જતાં આ ગેરેજના સંચાલક મુળ ટંકારાના સાવડીના યુવાન અને તેના કર્મચારી ટંકારાના ગણેશપુરાના યુવાનનું મોત નીપજ્યું છે.

- text

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ ટંકારાના સાવડીનો વતની લેઉવા પટેલ યુવાન અલ્પેશ મનસુખભાઇ ગોસરા (ઉ.૨૪) કેટલાક સમયથી ગોંડલ રોડ ચોકડી પાસે રહેતો હતો અને ક્રિષ્ના પાર્ક સામે કિરણ ફર્નિચરની પાસે જયેશ ગોવિંદભાઇ ભુવા સાથે જયસન મોટર ગેરેજ નામે ભાગીદારીમાં ગેરેજ ચલાવતો હતો. તથા તેનો કર્મચારી ટંકારાના જ વિરવાવના ગણેશપુરા ગામનો યુવાન દિવ્યેશ ગણેશભાઇ ભાગીયા (ઉ.૨૫) સવારે ગેરેજમાં કામ કરી રહ્યા હતાં ત્યારે કારને ઉપર નીચે લઇ જવા માટેની લોખંડની લિફટને સામાન ભરવા માટે નીચે ઉતારવામાં આવી રહી હતી ત્યારે અકસ્માતે લિફટ છટકીને બંનેની માથે પડતાં બંને દબાઇ ગયા હતાં.

આ વખતે અલ્પેશના ભાગીદાર જયેશ ભુવા સહિતના લોકોએ જેસીબી અને જેકની મદદથી મહામહેનતે દબાયેલા બંનેને બહાર કાઢ્યા હતાં અને લોહીલુહાણ હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં. જો કે અહિ બંને યુવાનના મોત નિપજ્યા હતાં.

 

- text