મોરબીના ઉદ્યોગકારોએ મોદી સરકારની ભવ્ય જીતને આવકારી : ઉદ્યોગોના પડતર પ્રશ્નો હલ થવાની આશા

- text


રેલવે સહિતની સેવા તેમજ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવી વિવિધ ઔદ્યોગિક સંગઠનોની અપેક્ષા

મોરબી : લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર નહિ પણ સુનામી આવશે તે વાક્ય આજે પરિણામના દિવસે ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે. ગુજરાતની તમામ ૨૬ બેઠક ઉપર ફરી ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે. ત્યારે ભાજપના આ ભવ્ય વિજયને મોરબીના વિવિધ સંગઠનોના હોદેદારોએ વધાવ્યો છે. ઉપરાંત કેન્દ્રમાં નવી ભાજપ સરકાર પાસેથી મોરબીના વિકાસની આશા સાથે રેલવે સહિતની સેવા તેમજ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા હોદેદારોએ વ્યક્ત કરી છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે સીરામીક ઉદ્યોગોને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ સહયોગ મળ્યો છે. સાંસદ મોહનભાઇ કૂંડારિયાથી લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના તમામે સીરામીક ઉદ્યોગોને ખૂબ મદદ કરી છે. જ્યારે ટ્રેડના પ્રમોશન માટે સીરામીક ઉદ્યોગકારો વિદેશ જતા ત્યારે વડાપ્રધાન પોતે એમ્બેસીને મદદરૂપ થવાની સૂચના આપતા હતા. આમ સીરામીક ઉદ્યોગોને સરકાર તરફથી ખૂબ સહયોગ મળ્યો છે. અને આગળ પણ મળતો રહે તેવી આશા છે.

- text

મોરબી કલોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું કે ભારતની જનતાએ એક ગુજરાતી ઉપર વિશ્વાસ કર્યો છે. ત્યારે આ ગુજરાતી મહાત્મા ગાંધીની જેમ જ દેશભરની જનતાના વિશ્વાસને ક્યારેય તૂટવા નહિ દે. ઘડિયાલ સહિતના નાના ઉદ્યોગો માટે સ્થાયી સરકાર જરૂરી છે. અમને આશા છે કે ભાજપ સરકાર નાના ઉદ્યોગકારોને ફાયદો થાય તેવું કરશે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથીએ જણાવ્યું કે મોહનભાઈને અભિનંદન પાઠવું છું કે તેઓ ફરી વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. વધુમાં તેઓએ કહ્યું કે મોરબીને રેલવે સહિતની સુવિધાઓની જરૂર છે. ઉપરાંત ઉદ્યોગોને બીજો ગેસ પણ જોઈએ છે. ત્યારે આ તમામ વિકાસ કામો સરકાર કરશે તેવી આશા છે.

- text