મોરબી : ભવ્ય જીત બાદ મોહન કુંડારિયાએ શનાળામા શક્તિ માતાના મંદિરે શીશ ઝુકાવ્યું


મોરબી : ભવ્ય જીત બાદ મોહન કુંડારિયાએ શનાળામા શક્તિ માતાના મંદિરે શીશ ઝુકાવ્યું

પરિવારજનો સાથે શનાળા શક્તિ માતાના મંદિરે બાવન ગજની ધજા ચડાવી : જીતનો શ્રેય રાત દિવસ મહેનત કરતા પાયાના કાર્યકરોને આપ્યો : હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્રના આકસ્મિક મોતથી જીતની ઉજવણી કરવાનું ટાળ્યું

મોરબી : રાજકોટ લોકસભા બેઠક પર 3.68 લાખ મતની જંગી લીડથી અભૂતપૂર્વ જીત મેળવનાર ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાએ પરિવારજનો સાથે મોરબીના શનાળા ગામે આવેલા શક્તિમાતાના મંદિરે શીશ ઝુકાવ્યું હતું અને શક્તિ માતાના મંદિરે બાવન ગજની ધજા ચડાવીને માતાજીની ભાવ વંદના કરી હતી.આ તકે મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં મોહનભાઇએ પોતાની જીતનો શ્રેય રાત દિવસ મહેનત કરનાર પાયાના કાર્યકરોને આપ્યો હતો.

રાજકોટ લોકસભા બેઠક પર આજે લોકસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાએ 3.68 લાખ મતની જંગી લીડ સાથે અભૂતપૂર્વ જીત મેળવી હતી.ત્યારબાદ તેઓ પરિવારજનો સાથે શક્તિ માતાના દર્શન કરવા માટે આજે મોરબીના શક્ત શનાળા ગામે આવેલ શક્તિ મંદિરે આવી પહોંચ્યા હતા અને મંદિરમાં બાવન ગજની ધજા ચડાવીને તેમણે પરિવારજનો સાથે શક્તિ માતાના દર્શન કર્યા હતા.

મોહનભાઇએ જણાવ્યું હતું કે તેઓ શક્તિ માતા પ્રત્યે ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ ધરાવે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શક્તિ માતાના દર્શન કરીને કાર્ય સફળ થાય તે માટે પ્રાર્થના કરે છે.અને દરેક વખતે ઉમેદવારી નોંધાવતા પહેલા અને વિજેતા થયા બાદ શક્તિ માતાના ભારે ભક્તિભાવ પૂર્વક દર્શન કરે છે. આથી આ ચૂંટણીમાં વિજેતા થતા પરંપરા મુજબ આજે તેમણે પરિવાર સાથે શક્તિ માતાજીના મંદિરે શીશ ઝુકાવ્યું હતું.આ તકે તેઓએ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં પોતાની સફળતાનો શ્રેય રાત દિવસ મહેનત કરનાર પાયાના કાર્યકરોને આપ્યો હતો. બુથ લેવલનું પ્લાનિંગ અને મતદાતાઓને મતદાન મથકે લઈ જવાની પાર્ટીના કાર્યકરોએ રાત દિવસ જોયા વગર કરેલી મહેનતના કારણે જીત મેળવી શક્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

શક્તિ માતાના મંદિરે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યકરોએ તેમનું ફુલહાર કરીને સ્વાગત કર્યું હતું.જોકે મોહનભાઇએ તેમના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાના પૂત્રના આકસ્મિક નિધનને કારણે માનવતા ધ્યાને રાખીને જીતની ઉજવણી કરવાનું ટાળ્યું હતું.