બે સેન્ટિમીટરના ચોક ઉપર મોદીની પ્રતિકૃતિ બનાવતો મોરબીનો યુવા કલાકાર

રાજકોટ સ્થિત શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીના પ્રદર્શનમાં મકનસરના કલાકારે કંડારેલી મોદીની બે કૃતિઓ સ્થાન પામશે

મોરબી : કોઈ પણ કલાને ઉચ્ચ અભ્યાસ સાથે ખાસ સબંધ હોતો નથી. ગામડામાં રહેતો અભણ વ્યક્તિ પણ ચિત્રકલા, માટીકલા, કાષ્ઠકલા, પથ્થર કોતરણી કલા જેવી કલાનો એવો માસ્ટર હોય છે કે જેને જોઈને શહેરનો ડિગ્રીધારી કલાકાર પણ માથું ખંજવાળતો થઈ જાય છે. મોરબીના મકનસરનો આવો જ એક કલાકાર છે જે પોતાની આંતરસૂઝથી એવા કારનામા કરે છે જે જોઈને ભલભલા લોકોના મો ખુલ્લા રહી જાય છે.

મકનસરમાં રહેતા કમલેશ અમૃતલાલ નગવાડિયાએ (પ્રજાપતિ) બ્લેકબોર્ડ પર લખવાના બે સેન્ટિમીટરના ચોક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ બનાવ્યું છે. કોઈ પણ ખાસ સાધનની મદદ વગર માત્ર એક સોઇ દ્વારા ચોક પર આ સ્ટેચ્યુ બનાવતા કમલેશને બે દિવસનો સમય લાગ્યો છે. આવતી પહેલી તારીખે રાજકોટના રેસકોર્સ સ્થિત શ્યામ પ્રસાદ આર્ટ ગેલેરીમાં યોજાનાર એક પ્રદર્શનમાં આ સ્ટેચ્યુ રાજકોટની કલાપ્રિય જનતાને જોવા મળશે ત્યારે મકનસરના આ યુવા કલાકારની રાજ્યકક્ષાએ નોંધ લેવાશે. બે સેન્ટિમીટરના ચોકના આ સ્ટેચ્યુ ઉપરાંત માટીમાંથી નિર્મિત વડાપ્રધાન મોદીનું એક ફૂટનું સ્ટેચ્યુ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. સ્થાનિક કક્ષાએ આવા કલાકારોને પ્રોત્સાહનની જરૂર હોય છે. જેનો અભાવ જોવા મળે છે. આધુનિકતા તરફ સરકતા વિશ્વમાં બીબાઢાળ કૃતિઓ જ નિર્માણ પામે છે ત્યારે એ કૃતિઓને કલાકૃતિ ન કહી શકાય. ત્યારે કલાના આવા સાધકને સહુએ પ્રોત્સાહન આપવા આગળ આવવું જોઈએ તો જ આવી કલા જીવંત રહેશે.