મોરબીની સિવિલ હોસ્પિટલના સમાજ સેવીકાનો ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ

હોસ્પિટલ તંત્ર દરિદ્ર નારાયણની સેવામાં સહકાર આપવાના બદલે હેરાન કરતું હોવાથી કંટાળીને મહિલા કાર્યકરે આ પગલું ભરી લેતા સારવાર હેઠળ

બેદરકારી દાખવવામા માહેર રહેતા હોસ્પિટલ તંત્રની આબરૂના વધુ એક વખત ધજાગરા થયા

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના તંત્રની અબરૂના વધુ એક વખત ધજાગરા થયા છે ખાસ કરીને દરિદ્ર નારાયણની સેવા કરતા એક મહિલા કાર્યકરને યોગ્ય સહકાર આપવાને બદલે હોસ્પિટલ તંત્ર અસહ્ય ત્રાસ ગુજારતું હોવાથી અગાઉ આપેલી ચીમકીને ગભીરતાથી ન લેતા આજે બપોરને સમયે મહિલા કાર્યકરે હોસ્પિટલમાં જ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.રાજકીય પીઠબળને કારણે હોસ્પિટલના સત્તાધીશો છાવરતા હોવાથી આ ઘટના પછી પણ ઉચ્ચકક્ષાએથી પગલાં લેવાશે કે કેમ તે મોટા સવાલ છે.

મોરબી સિવિલ હોસ્પિટલ સત્તાધીશોના પાપે દર્દીઓ માટે આશિર્વાદને બદલે અભિશાપ રૂપ બની ગઈ છે.વખતો વખત હોસ્પિટલની અમાનવીય બેદરકારી પ્રકાશમાં આવે છે.પરંતુ હોસ્પિટલના સત્તાધીશો રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી દર્દીઓ સાથે થયેલી ગભીરમાં ગંભીર બેદરકારીને છાવરી લેવામાં આવે છે તેથી જ હોસ્પિટલના દર્દીઓ રામભરોસે થઈ ગયા છે.આટલું ઓછું હોય તેમ આજે હોસ્પિટલ તંત્રની અક્ષમ્ય બેદરકારી પ્રકાશમાં આવી છે આ સિવિલ હોસ્પિટલમાં સમાજ સેવિકા તરીકે કામ કરતા હસીનાબેન ગરીબ દર્દીઓને મદદરૂપ થાય છે.હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને પડતી કોઈપણ પ્રકારની તકલીફમાં તેઓ ખડેપગે રહે છે અને દર્દીઓને સેવા આપવા માટે હોસ્પિટલમાં સદાય તેઓ સક્રિય રહે છે.

જાણે માનવતા ચુકી ગયેલા હોસ્પિટલ તંત્રને હસીનાબેનની સેવા આંખમાં કણાની જેમ ખૂંચતી હોય તેમ કોઈને કોઈ બહાને તેમની પર ત્રાસ ગુજારવામાં આવતો હતો તેમણે હોસ્પિટલમાં દર્દીઓની ખૂટતી સુવિધા માટે અવાજ ઉઠાવ્યો હતો અને તેમના પર ગુજારાતા ત્રાસ દૂર કરવા અને હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં મદદરૂપ થવા રજુઆત કરી હતી અને આજે આપઘાત કરવાની ચીમકી આપી હતી

પરંતુ જાડી ચામડીના સત્તાધીશોએ ગંભીરતાથી ન લેતા આજે બપોરના સમયે હસીનાબેને હોસ્પિટલમાં જ ફીનાઇ પીને આપઘાતનો પ્રયાસ કરતા તેમને આજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.જોકે સિવિલ હોસ્પિટલ તંત્રની આબરૂ ફરી ધૂળધાણી થઈ ગઈ છે ત્યારે આ ગંભીર ઘટના પછી પણ રાજકીય ઓથ ધરાવતા સત્તાધીશો સામે ઉચ્ચકક્ષાએથી કોઈ પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું.