મોરબીના ખાખરાળા ગામના ખેડૂત પુત્રએ ધો.10માં જવલંત સિદ્ધિ મેળવી

ખેડૂત પુત્રએ ધો.10માં 99.96 પીઆર મેળવીને ગ્રામ્ય વિસ્તારોમાં વિધાર્થીઓ લગન અને મહેનતથી ધારી સફળતા મેળવી શકતા હોવાનું પુરવાર કર્યું

મોરબી : મોરબીના ખાખરાળા ગામના ખેડૂત પુત્રએ ધો.10માં જવલંત સિદ્ધિ મેળવી છે.ખેડૂત પુત્રએ ધો.10માં 99.96 પીઆર મેળવીને અનેક અભાવો વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોમાં નબળી સ્થિતિ ધરાવતા વિધાર્થીઓ પણ લગન અને મહેનતથી ધારી સફળતા મેળવી શકતા હોવાનું પુરવાર કર્યું છે.

મોરબીના ખાખરાળા ગામે રહેતા અને પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વિનય વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા શનિ પ્રવિણભાઈ વડાવીયાએ ધો.10માં 95.05 ટકા અને 99.96.પીઆર સાથે સમગ્ર રાજ્યમાં ચોથો નંબર મેળવ્યો છે.ધો.10માં જવલંત સિદ્ધિ મેળવનાર શનિના પિતા પ્રવિણભાઈ સામાન્ય ખેડૂત છે.જોકે તેના માતાપિતા ધો.10 સુધી ભણેલા છે.ત્યારે પુત્ર ભણી ગણીને મોટા માણસ થાય તે માટે માતાપિતાએ કપરી સંઘર્ષ કરીને ગ્રામ્ય વિસ્તારોની સારી સ્કૂલમાં ભણાવ્યો અને પુત્રએ પણ ખરા દિલથી મહેનત કરીને માતાપિતાના સ્વપ્ન સાકાર કર્યા છે.શનિ પોતાના ગામડે રહીને જ અભ્યાસ કરતો હતો અને ધો.10માં સ્કૂલમાં આપતું શિક્ષણ દરરોજ આત્મસાત કરી લેતો અને ઘરે જઈને દરરોજ એનું રિવિજન કરી લેતો હતો.તેમજ દરરોજ પાંચ કલાક એકાગ્રતા પૂર્વક અભ્યાસ કરીને તેણે ધારી સફળતા મેળવી છે.આ સાથે જ તેણે સાબિત કરી દીધું છે માત્ર શહેરોમાં રહેતા વિધાર્થીઓ સફળતા મેળવી શકે એવું હોતું નથી.ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અભાવો વચ્ચે પણ વિધાર્થીઓ કઠોર પરિશ્રમથી ધાર્યું પરિણામ મેળવી શકે છે.શનિને ક્રિકેટનો શોખ છે અને આગળ ઉચ્ચ અભ્યાસમાં સાયન્સમાં આગળ વધીને ડોકટર બનવવાની તમન્ના છે.પીપળીયા ચાર રસ્તે આવેલ વિનય વિદ્યા મંદિર માં છ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે