મોરબી : છ પાનાની ચિઠ્ઠી લખી કાર અને મોબાઇલ છોડી પહેરેલ કપડે ઉદ્યોગપતિ થયા લાપતા

ભાગીદારોના અસહકારથી ત્રસ્ત સીરામીકના માલિક ૭ દિવસથી ગુમ

મોરબી : છાત્રાલય રોડ સ્થિત આદિનાથ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જ્યંતીભાઈ ફ્ળદુએ મોરબી તાલુકા પો.સ્ટે.માં. એમના મોટા ભાઈ જયેશભાઇ જયંતિભાઈ ફળદુ ઉં.વ.૪૨ પાછલા ૭ દિવસથી ગુમ થયા અંગે કારખાનાના ભાગીદારો સામે ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી વિજયભાઈના જણાવ્યા અનુસાર એમના મોટાભાઈ જયેશભાઇ ફળદુ અન્ય ત્રણ ભાગીદારો સાથે મળીને મિરેકલ સીરામીક નામની ફેકટરી ચલાવે છે. પાછલા એકાદ વર્ષ દરમ્યાન ફેકટરી બરોબર ચાલતી ન હોવાને કારણે મોટું દેણું થઈ ગયું હતું. આવા સંજોગોમાં દર ત્રણ મહિને થતી ભાગીદારોની વ્યવસાયલક્ષી મિટિંગો પણ બંધ થઈ ગઈ હતી. બેંક વાળા તેમજ અન્ય ઉઘરાણી વાળા લોકો કાયમ ફેકટરી પર આવીને દબાણ વધારતા હતા. આથી ફેકટરી વેંચી નાખવાનો નિર્ણય કર્યો હતો. પણ અન્ય ત્રણ ભાગીદારો એ બાબતે સહકાર આપતા ન હતા. આમ છતાં ખોટ કરતું એકમ 17 થી 18 કરોડમાં વેંચવા કાઢ્યું હતું. આ બાબતે પણ ત્રણેય ભાગીદારોએ સહકાર આપવા માટે નનૈયો ભર્યો હતો. ભાગીદારી છુટ્ટી કરવા માટે પણ સકારાત્મક પ્રતિક્રિયા આપતા ન હોવાથી જયેશભાઇ માનસિક રીતે ખૂબ અસ્વસ્થ થઈ ગયા હતા.

આવા સંજોગોમાં તારીખ 14મી મેના રોજ કાર લઈ કાર ડ્રાયવર સાથે રાફળેશ્વર આવ્યા હતા અને કારના ડ્રાયવરને છ પાનાની એક ચિઠ્ઠી આપી, પોતાનો મોબાઈલ કારમાં મૂકીને પહેરેલ કપડે રહસ્યમય સંજોગોમાં ક્યાંક ચાલ્યા ગયા છે.

ચિઠ્ઠીમાં જયેશભાઇએ સહુની માફી માંગતા લખ્યું છે કે આ ફેકટરીમાં કોઈને પણ મારાથી તકલીફ થઈ હોય તો માફ કરજો. મેં હંમેશા ફેકટરી સારી રીતે ચાલે એવા જ પ્રયાસો કર્યા છે. હવે હું ફેકટરીમાં બેસવા માંગતો નથી. આગળ જે કઈ થાય એ તમે બધા જોઈ લેજો. મારે જો કોઈને રૂપિયા ચૂકવવાના થતા હશે તો મારું મકાન વેંચીને પણ આપી શકું એમ છું. અને આમ છતાં રૂપિયા વધે એમ છે. આથી રૂપિયાની કોઈ સમસ્યા નથી. પણ જો મને કંઈક થઈ જાય તો એની સઘળી જવાબદારી મારા ભાગીદારો પ્રવીણભાઈ ઘુંટૂ વાળા, મનોજભાઈ દેત્રોજા અને પ્રકાશભાઈ સવસાણીની રહેશે.

ગુમ થયેલ જયેશભાઇ ફળદુંના નાના ભાઈ વિજયભાઈ જ્યંતીભાઈ ફળદુની ફરિયાદના આધારે તાલુકા પો.સ્ટે.ના એચ.એમ. મકવાણાએ બનાવની વધુ તપાસ હાથ ધરીને સહુથી પહેલા ગુમ થયેલ કારખાનેદારને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે.