હળવદના શાળા સંચાલક સામે છેતરપિંડીના આક્ષેપો બાદ ડીડીઓને રજુઆત

- text


શાળા પ્રવેશ સમયે ફીની સ્કીમ બાબતે આપેલી ખાત્રીથી ફરી જવાના આક્ષેપો કરતા એક મહિલા વાલી

હળવદ : હળવદ સ્થિત તક્ષશિલા શાળા સંચાલકો સામે એક મહિલા વાલીએ એડમિશન સમયે શાળા તરફથી આપેલી બાંહેધરીથી ફરી જવાના આક્ષેપો કર્યા છે. અંતે મહિલા વાલીએ હળવદ ટી.ડી.ઓ તેમજ ડી.ડી.ઓને રૂબરૂ રજુઆત કરતા મામલો થાળે પડ્યો છે.

મળતી માહિતી મુજબ હળવદ ખાતે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં એક નોકરિયાત મહિલાએ એક વરસ પહેલાં એના બે સંતાનોનું એડમિશન કરાવ્યું હતું. શાળાની હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરતા બન્ને બાળકોની એડમિશન પ્રક્રિયા સમયે સંચાલક તરફથી એવી ખાત્રી આપવામાં આવી હતી કે જો બાળકોને ૯૦% કે એનાથી વધુ માર્ક આવશે તો એ વરસની ભરેલી ફીમાંથી ૧૦ હજાર રૂપિયા પરત કરવામાં આવશે.

આ મહિલાના બે પૈકી એક બાળકને વાર્ષિક પરીક્ષામાં ૯૬% માર્ક આવતા મહિલા વાલીએ ૧૦ હજાર રૂપિયા બાદ કરી આપવાનું કહેતા શાળા સંચાલક મહેશભાઈ પટેલે ઉશ્કેરાઈ જઇ જો સંતાનોને અભ્યાસ કરાવવો હોય તો પુરી ફી જ ચૂકવવી પડશે એમ જણાવતા મહિલાએ તેણીના બાળકોના લિવિંગ સર્ટિ. કાઢી આપવાનું જણાવ્યું હતું. સર્ટિ. કાઢવાની વાતથી સંચાલકે બન્ને બાળકોના રૂપિયા ૩૦૦૦ હજુ વધુ આપવાનું કહેતા મહિલાએ હળવદ ટી.ડી.ઓ તેમજ ડી.ડી.ઓને આ બાબતે રૂબરૂ રજૂઆત કરી હતી. ડી.ડી.ઓ ઓફિસેથી શાળા સંચાલકને ફોન કરતા તેઓએ ફોન ન ઉપાડતા અને મામલો ગરમાતા એક જાણીતા એડવોકેટની દરમયાનગીરીથી અંતે શાળા સંચાલક ઢીલા પડ્યા હતા અને બન્ને બાળકોના લિવિંગ સર્ટિ. કાઢી આપ્યા હતા.

- text

આ બાબતે મોરબી અપડેટ દ્વારા શાળા સંચાલક મહેશભાઈનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે આઠમા ધોરણમાં પ્રવેશ સમયે સારું રિઝલ્ટ લાવતા બાળકો માટે પ્રોત્સાહનના ભાગ રૂપે ફીમાં સ્કીમ આપીએ છીએ. જે અંતર્ગત પહેલો નંબર લાવનાર વિદ્યાર્થીને ફીની રકમમાં ૪૦%, બીજા ક્રમે રહેનાર વિદ્યાર્થીને ૨૫%, ત્રીજા ક્રમે રહેનાર વિદ્યાર્થીને ૨૦% તેમજ ચોથા ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીની કુલ ફીની રકમમાંથી ૧૦% બાદ કરી આપીએ છીએ. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં અભ્યાસને લઈને સકારાત્મક સ્પર્ધા સ્થપાય અને ભણતરમાં ઉત્સાહ જળવાય રહે એવા હેતુસર આ સ્કીમ દરેક વિદ્યાર્થીઓ માટે અમલી બનાવાઈ છે. પણ સદરહુ વાલીની સમજણફેરના કારણે તેઓ આવા આક્ષેપો કરી રહ્યા છે. એકથી ચારમાં એમના સંતાનનો નંબર આવ્યો જ નથી આથી એમને ફીમાં છૂટ આપવાના લાભાંવિતની યાદીમાં સ્થાન મળતું જ નથી. જો કે હવે એ બન્ને વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાતા અમારા તરફથી આ મામલો પૂરો થયો છે એમ અંતમાં તક્ષશિલા વિદ્યાલયના એમ.ડી. મહેશભાઈ પટેલે મોરબી અપડેટને જણાવ્યું હતું.

- text