મોરબીવાસી ન ઘરના ન ઘાટના : રાજાશાહી સમયના ઐતિહાસિક ઘાટ નધણીયાતી હાલતમાં

- text


શહેરમાં ગંદકીના ગંજ વચ્ચે નદીના ઘાટો પણ ગંદા ગોબરા

મોરબી : મોરબીની મચ્છુ નદીનાં કિનારે રાજાશાહી સમયમાં અલગ અલગ સ્થળ પર આવેલા મંદિરની સુંદરતા જળવાય રહે અને લોકો નદીનાં પાણીનો ઉપયોગ સ્નાનાદિક વિધિ માટે કરી શકે એ માટે ઐતિહાસિક તેમજ સુંદર ઘાટ બનાવવામાં આવ્યા હતા. જોકે આજે આ ઐતિહાસિક ઘાટની હાલત દયનિય બની ગઈ છે. ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાઇ ગયા છે. ઘાટનાં પગથિયાં પાસે ગટરનાં પાણી નીકળી રહ્યા છે જેના કારણે ભયંકર દુર્ગંધથી લોકો ઘાટ નજીક જવાનું પણ ટાળી રહ્યા છે.

- text

મોરબીમાં રાજાશાહી સમયમાં મચ્છુ નદીના કિનારે અલગ અલગ ઘાટ બનાવવામાં આવ્યા હતા. આ ઘાટ જે તે વખતે શહેરની સુંદરતામાં શોભાવતા. “સૌરાષ્ટ્રનું પેરિસ” ઉપનામ મળવાનું એક કારણ આ સુઘડ ઘાટ પણ હતા. આઝાદી બાદ આ ઐતિહાસિક ઘાટોની જાળવણીમાં ઘોર બેદરકારી રાખવામાં આવી, તેની ઉપેક્ષા કરવામાં આવી. મોરબીની આ ઐતિહાસિક ધરોહરને વેપાર,વાણિજ્ય અને ઔધોગિક વિકાસ સામે નગણ્ય સમજવામાં આવી. પાલિકા દ્વારા કરાયેલી ઉપેક્ષાને કારણે આ ઘાટની હાલ દયનિય બની ગઇ છે. સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાઇ ગયા છે. તો શહેરમાંથી નીકળતા ભૂગર્ભ ગટરના પાણી પણ ત્યાંથી પસાર થતા હોવાથી ગંદકીના ગંજ ખડકાઇ ગયા છે. બીજી તરફ મચ્છુ નદીની છેલ્લાં ઘણા વર્ષોથી સફાઈ ન કરવાને કારણે એમાં ગાંડીવેલનું અડાબીડ સામ્રાજ્ય છવાઈ ગયું છે. નદીમાં જ્યાં નજર પડે ત્યાં માત્ર ગાંડી વેલ જોવા મળી રહી છે. આને કારણે નદીએ તેની સુંદરતા ગુમાવી દીધી છે. આ ઐતિહાસિક કહી શકાય તેવા રામ ઘાટ, મચ્છુ માતામાં મંદિરનો ઘાટ, મણી મંદિર પાસેનો ઘાટ તેમજ વીસીપરા પાછળ આવેલ સ્મશાન નજીકના ઘાટ દુર્ગંધ મારતા વોંકળા સ્વરૂપે દેખાય રહ્યા છે. તંત્રએ મચ્છુ નદીની તરફથી પણ પોતાનું મોઢું જાણે ફેરવી લીધું છે. જેના કારણે આ ઐતિહાસિક ઘાટ અને નદી હાલ ભયંકર દુર્દશામાં જોવા મળી રહ્યા છે. તંત્ર આ ઐતિહાસિક વારસાના જતન માટે જરૂરી પગલાં ભરે અને તેની જાળવણી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે કાશીના ઘાટો પણ આવી જ ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત છોડી કાશી-વારાણસીના સાંસદ બન્યા ત્યાર બાદ કાશીના ઘાટોને દર્શનીય તેમજ ચોખ્ખા ચણાક અને સ્વચ્છ બનાવી ચુક્યા છે. ત્યારે શહેરની શોભાવૃદ્ધિ કરી શકાય એવા ઘાટોનું પુનઃનિર્માણ કરવાની, ઘાટોની કાયાકલ્પ કરવાની આવડત કે દાનત મોરબીના કોઈ નેતામાં નથી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

- text