સ્વૈચ્છિક સફાઈ અભિયાનમાં સેવા સદન પાસેથી ચાર ટ્રેક્ટર જેટલો કચરો સાફ થયો

ડોકટરો, શિક્ષકો, વકીલોની ટીમ સાથે પતંજલિ યોગ સમિતિ અને આર.એસ.એસ સહિત બાળકોએ પણ શ્રમદાન કર્યું

મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના નામી ડોક્ટરો, શિક્ષકો તેમજ વકીલો દર રવિવારે શ્રમદાન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજે રવિવારે મોરબી શહેરના લાલબાગ પાસે આવેલા સેવા સદનની કચેરી નજીક થયેલા શ્રમદાનમાં પતંજલિ યોગ સમિતિ તેમજ આર.એસ.એસના સ્વયંસેવકો અને નાના બાળકો સહિતના 45 જેટલા લોકો જોડાયા હતા.

મોરબી શહેરને સ્વચ્છ રાખવાના અભિયાનના એક ભાગરૂપ શહેરના નામી ડોક્ટરો, શિક્ષકો તેમજ વકીલો અને પતંજલિ યોગ સમિતિ તેમજ આર.એસ.એસના સ્વયંસેવકો દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સ્વેચ્છાએ સફાઈ અભિયાન હાથ ધરે છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે રવિવારના રોજ લાલબાગમાં આવેલા સેવાસદનમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ સેવા સદનમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે. મોરબી શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જેમના શિરે છે એવા અધિકારીઓ અને પદાધિકારીઓનો પણ અહીં સતત જમાવડો રહે છે. ત્યારે પોતાનું જ આંગણું સ્વચ્છ ન રાખી શકતા સેવાસદનના અધિકારીઓ અન્ય વિસ્તારોને સ્વચ્છ રાખવામાં ઉદાસીન હોય તે સ્વાભાવિક લાગી રહ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે જે સેવાસદનમાં અધિકારીઓ બેસે છે એ સેવા સદનની આસપાસથી ૪ ટ્રેક્ટર ભરાય તેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની ખાલી બોટલોનો પણ સમાવેશ થતો હતો. જે અત્યંત ચોંકાવનારી તેમજ શરમજનક બાબત છે. જો સેવા સદનની આજુ બાજુમાં જ કુડા કચરાની સાથે દારૂની બોટલો નંખાતી હોય અને સેવાસદનના અધિકારીઓને તેની જાણકારી ન હોય તે અત્યંત ખેદજનક બાબત છે એવું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.