લીલાપર રોડ પર ઇન્ડિયા ટાઇલ્સમાં ઘાસના જથ્થામાં આગ

મોરબી : લીલાપર રોડ પર આવેલા ઇન્ડિયા ટાઇલ્સમાં પેકીંગ માટે રાખેલા ઘાસની ગાંસડીઓમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે.

લીલાપર રોડ પર આવેલા ઇન્ડિયા ટાઇલ્સ નામની ફેકટરીમાં માલ પેકીંગ કરવા માટે ઘાસની ગાંસડીઓ રાખવામાં આવી હતી. જેમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ હેડ ડી.ડી.જાડેજાએ વિનય ભટ્ટ, પ્રિતેશ નગવાડિયા અને ઉત્તપલ બારોટ સહિતની ટીમને ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે રવાના કર્યા હતા. જ્યાં પાણીનો મારો ચલાવતા આગ વકરતી અટકી હતી. ગરમીને કારણે ઘાસના ઘર્ષણથી આગ લાગી હોવાનુ પ્રાથમીક અનુમાન લગાવાય રહ્યું છે. ઇન્ડિયા ટાઇલ્સના મલિક નિપુલભાઈ શાહ સાથે મોરબી અપડેટની ટેલિફોનિક વાતચીતમાં અંદાજે એકાદ ગાડી એટલે કે 20 ટન જેટલો 200 ગાંસડીઓનો જથ્થો સળગી ગયો છે. આમ છતાં આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ નુક્શાનીનો સાચો અંદાજ આવશે તેમ નિપુલભાઈએ અંતમાં જણાવ્યું હતું.