ટંકારાના અમરાપર ગામે લોકો વેચાતું પાણી લેવા મજબૂર

- text


ગામની પાઇપલાઇન અને હેન્ડપંપ શોભાના ગઠિયા સમાન : 1800ની વસ્તી ધરાવતા ગામમાં પાણી ગંભીર સમસ્યા

મોરબી : ટંકારાના અમરાપર ગામના લોકો વેચાતું પાણી લઈને પીવા મજબૂર બન્યા છે જેમાં જવાબદાર તંત્રની ધોર બેદરકારી આખે ઉડીને વળગી છે.અમરાપર ગામમાં પાણીની પાઇપ લાઇન અને હેન્ડ પંપ શોભના ગાંઠિયા સમાન બની જતા ગામમાં પાણીની કપરી સ્થિતિ ઉદભવી છે.તેમાં સરકારી તંત્રએ પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે કોઈ કાર્યવાહી ન કરતા આખરે ગામલોકો પાસે જીવન ટકાવવા માટે વેચાતું પાણી લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.1800ની વસ્તી ધરાવતા ગામના લોકો આર્થિક બોજ સહન કરીને પણ વેચાતું પાણી પીવા મજબૂર બન્યા છે.જે તંત્ર માટે લપડાક સમાન છે.

ટંકારા તાલુકાનું અમરાપર ગામ આજે પણ વેચાતું પાણી ખરીદે છે ગામમાં પીવાના પાણી માટે પાઈપલાઈન તો છે જ પણ માત્ર દેખાવ પૂરતી જ છે. આ પાઈપલાઈનમાં પાણી તો આવતું જ નથી ગામમાં હેન્ડ પંપ પણ છે. પણ એમાં આવતા પાણી એટલા કડવા છે કે પીવાના ઉપયોગ માં લઇ શકાય એમ જ નથી .ઘર વપરાશ માટે આ હેન્ડ પંપના પાણી સીંચીને ભરવા પડે છે અને પીવાનું પાણી ટેન્કરો મારફત ખરીદવું પડે છે અને સરકાર દ્વારા ટેન્કર આપવામાં તો આવે છે પણ તે પાણી પણ ગ્રામજનો સુધી પહોચતું ના હોવાનો આક્રોશ ગ્રામજનોમાં છે.ગામમાં વસવાટ કરતા ગરીબોની સ્થિતિ વધુ ગંભીર છે એક કેરબો પાણી ના ૧૦ રૂપિયા ચુકવવા પડે છે અને પાણી ખરીદવા પણ ટંકારા જવું પડે છે.આ ગરીબોની વેદના સરકારના કાને ક્યારે અથડાશે એ મોટા વિકટ પ્રશ્ન છે..આ ગામને વર્ષોથી પાણીની તકલીફ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે હેન્ડપંપમાં આવતું પાણી એટલું ખરાબ છે કે, વેચાતું પાણી ખરીદવાની સ્થિતિ ના હોય અને ના છૂટકે હેન્ડપંપ નું પાણી પીવું પડે તો તબિયત ખરાબ થઇ જતી હોય છે.

- text

ગામમાં ૨૫૦ જેટલા ઘર આવેલા છે અને પાણીની વિકટ પરિસ્થતિ ના કારણે લગભગ તમામ ઘરોમાં ૩૦ થી ૮૦ હજાર નો ખર્ચ કરી ને ખાસ ટાંકા બનાવવા પડ્યા છે અને ત્યાર પછી પણ ગ્રામજનોને શાંતિ નથી. આ ટાંકામાં ભરવા માટે પાણી ટંકારા થી વેચાતું લેવું પડે છે .એક હજાર રૂપિયા આપીને પાણીનું ટેન્કર ખરીદવું પડે છે મહિનામાં અંદાજીત ૨ થી ૩ વખત આ રીતે પાણી ખરીદવું પડે છે. ઘર ઘર સુધી પીવાનું પાણી આપવાની વાત અમરાપર જેવા ગામ જોઇને આજે પણ પોકળ લાગે છે વર્ષો થી રજુઆતો કરી કરીને થાકેલા ગ્રામજનો એ અંતે નિરાશ થઇ ને હવે  પાણીની સમસ્યા સામે પૈસા ખર્ચીને જાતે બાથ ભીડવાનો નિર્ણય કર્યો છે. ગામ માં ૭૦ % થી વધુ ઘરોમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકા બની ચુક્યા છે અને વેચાતું પાણી ખરીદીને ગ્રામજનો  પાણી રૂપી જીવન ખરીદી રહ્યા છે ત્યારે સરકારના કાને આ ગામની સમસ્યા ક્યારે પહોચે છે એ જોવું રહ્યું .

 

 

- text