ટંકારાના અમરાપર ગામે ઢોર પણ ન પી શકે તેવું ખારું પાણી પીવા ગ્રામજનો મજબુર

- text


ટંકારાના અમરાપર ગામે ઢોર પણ ન પી શકે તેવું ખારું પાણી પીવા ગ્રામજનો મજબુર

વેકેશનની રજા માંણવાને બદલે ધોમધખતા તાપમાં એક બેડા પાણી માટે કપરો સંઘર્ષ કરતા બાળકો

બોરનું ક્ષારવાળા પાણીથી ગ્રામજનોમાં પાણીજન્ય રોગચાળો વકરવાની ભીતિ

સરકાર દ્વારા પાથરવામાં આવેલા પાઈપમાં પાણી કયારે આવશે તે સો મણનો સવાલ

ટંકારા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ વિચાર કરતા હોય છે ત્યારે ૪૪ ડીગ્રી તાપમાનમાં એક બેડું પાણી લેવા માટે જવું પડે તો ભલભલાને શરીરમાંથી કંપારી છૂટી જાય તે હક્કિત છે જો કે, આવા દ્રશ્યો મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા અમરાપર ગામમાં રોજ જોવા મળે છે કેમ કે, આ ગામમાં પાણી ન આવતું હોવાથી ગમે ત્યારે પાણીનું ટેન્કર ગામમાં આવે ત્યારે ગામની મહીલોને પાણીનું બેડું ભરવા માટે તંત્રના પાપે લાઈનો લગાવવી પડે છે

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા અમરાપર ગામે પાણીની સમસ્યા કાયમી બની ગઇ છે .છેલ્લા ઘણા વર્ષોથી આ ગામમાં નિયમિત રીતે લોકોને પાણી મળતું નથી. જેથી અમરાપર ગામના લોકોને બોરના ખારા પાણીનો પીવાના પાણી તેમજ વાપરવાના પાણી તરીકે ઉપયોગ કરવો પડે છે અથવા તો જયારે પણ આ ગામના પાણીનું સરકારી ટેન્કર આવે ત્યારે ગામની મહિલાઓને પાણી મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમરપરા ગામમાં હાલમાં ૧૭૦૦ લોકો સ્થાનિક રહીશો છે. જેમાંથી ૧૨૦૦થી વધુ તો મતદાર છે અને તે ઉપરાંત બહાર ગામથી ખેતીમાં મજુરી કામ કરીને રોજગારી મેળવવા માટે ૩૦૦ થી વધુ મજુર આવીને રહે છે એટલે કે આજની તારીખે આ ગામમાં ૨૦૦૦ જેટલા લોકો રહે છે તેમજ ૨૦૦૦ જેટલા નાના મોટા ઢોર છે જો કે, ગામમાં પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી તંત્ર દ્વારા હાલમાં માથાદીઠ ૪૦ લીટર પાણીના હિસાબે લોકો માટે ૮૦ હાજર લીટર પાણીનો જથ્થો ટેન્કર મારફતે સપ્લાઈ કરવામાં આવે છે પરંતુ માલઢોર માટે પાણીની હજુ સુધી તંત્રે કોઈ વ્યવસ્થા કરી જ નથી જેથી ઢોરને બોરના ખારા પાણી પીવડાવવા પડે છે જેના લીધે ઢોરને શારરિક નુકશાન થાય છે તેવું આ ગામના રહેવાસી ગનીભાઈ ખોરેજીયાએ જણાવ્યું હતું.

અમરાપર ગામના માજી સરપંચ કડીવાર હુશેનભાઈ સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી અમરાપર ગામમાં પાણીના ધાંધિયા હોવાથી સ્થનિક અધિકારી અને અધિકારી તો ઠીક રાજ્યના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, પાણી પુરવઠા વિભાગના મંત્રી અને રાજ્યના મુખ્ય મંત્રી સુધી પાણીની સમસ્યાને પહોચાડવામાં આવી છે જો કે, અફસોસ કે આજ દિન સુધી લોકોની પાણીની સમસ્યાને ઉકેલવામાં આવી નથી જેથી મહિલાઓને પાણીના એક બેડા માટે ભારે હાલાકીનો સામનો કરીને ધોમધખતા તાપમાં પાણી ભરવા માટે જવું પડે છે માટે જીલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા વહેલામાં વહેલી તકે નવી જૂથ યોજનામાં આ ગામનો સમાવેશ કરીને અમરાપરગામનો પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવું આ ગામના લોકો ઈચ્છી રહ્યા છે

આ ગામના રહેવાસી ખોરાજીયા મીનાબેન, અમીનાબેન બાદી સહિતની મહિલાઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, લોકો માનવ સર્જિત ગંદકીના લીધે રોગનો ભોગ ન બને તેના માટે શૌચાલય વિહોણા મકાનોમાં સરકારની યોજના હેઠળ શોચાલય બનાવવામાં આવે છે જો કે, અમરાપર ગામે લોકોના ઘરમાં બનાવવામાં આવેલા શોચાલય શોભાના ગાંઠિયા સમાન બની ગયેલા છે કેમ કે, લોકોને પીવા અને વાપરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી ત્યારે ટોયલેટનો ઉપયોગ કરીને તેમાં પાણી કયાંથી નાખવું તે પ્રશ્ન ઉભો થાય છે જેથી ઘરમાં શોચાલય હોવા છતાં પણ આ ગામની મહિલાઓ સહિતના લોકોને ઘરની બહાર જ કુદરતી હાજતે જવું પડે છે

- text

અમરાપર ગામમાં સરકારી પાણીના જે ટેન્કરો આવે છે તેનાથી ગામમાં પાણી પૂરું થઇ શકાતું નથી અને કોઇપણ ગામમાં દરેક પરિવારની આર્થિક પરિસ્થિતિ સરખી ન હોય તે સ્વાભાવિક છે જો વાત કરીએ અમરાપર ગામની તો આ ગામમાં રહેતા આર્થિક રીતે સંપન્ન પરિવારો દ્વારા પીવા તેમજ ઘર વપરાશના પાણી માટે ૫૦૦થી હાજર રૂપિયા ખર્ચીને પાણીના પ્રાઇવેટ ટેન્કરો મંગાવવામાં આવે છે જો કે, ગરીબ કે માધ્યમ વર્ગના પરિવારોને વેચાતું પાણી લેવું પોસાતું નથી. માટે આવા પરીવારીના લોકો ગામમાં સરકારી ડંકીઓ મુકવામાં આવી છે .જેમાં ઢોર પણ ન પીવે તેવું ખારું પાણી આવે છે તે પોતાના ઘરે પીવા તેમજ ઘર વપરાશના કામ માટે લઇ જાય છે તેવું આ ગામના રહેવાસી બાદી મહમદ હાજીભાઇએ જણાવ્યું છે.

અમરાપર ગામે બોરમાંથી આવતા ખારા પાણીનો ઉપયોગ કરવાથી ગામના ઘણા લોકોને ચામડીને લગતા રોગ થવા લાગ્યા છે અને ક્ષાર વાળું પાણી પીવામાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી ગ્રામજનોમાં પથારીની બીમારી સહિતના પાણીજન્ય રોગો પણ વધુ જોવા મળી રહ્યા છે .અને આ ગામના નિયમતબેન કાસમભાઈએ કહ્યું હતું કે, હાલમાં વેકેશન હોવાથી બાળકો રમવા જતા હોય તો તેને પણ રોકીને પાણીના બેડા ભરવા માટે મોકલવા પડે છે ત્યારે ગરીબ અને માધ્યમ વર્ગના પરિવારોને પાણી મળે છે તે હકીકત છે હાલમાં અમરાપર ગામના લોકો માટે ગામની નજીકમાંથી પસાર થતી સૌની યોજનાની લાઈન આશીર્વાદ રૂપ બની છે કેમ કે, સૌની યોજનાની લાઈન જ્યાંથી પસાર થાય છે .ત્યાં એર વાલ્વની કુંડી મુકવામાં આવી છે જેમાં વાલ્વમાંથી નીકળતું પાણી ભરાઈ જાય છે તેમાંથી પાણીના ટેન્કર ભરીને ગ્રામજનોને આપવામાં આવે છે.

જો કે, નર્મદાની લાઈનમાંથી લીક થઈને ભરાયેલ પાણી પણ ગ્રામજનોને મફતમાં દેવામાં આવતું નથી. નર્મદાના એર વાલ્વ પાસેથી કુંડીમાંથી પાણી ભરીને ટેન્કરો વાળા આ પાણીનું ગામમાં વેચાણ કરે છે. જો સૌની યોજનાની લાઈન પાસેની કુંડી ખાલી હોય તો, અમરાપર ગામના લોકોને પાણી માટે ટંકારા સુધી લાંબા થવું પડે છે. તેવું આ ગામના લોકો કહી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, ઘર ઘર સુધી પાણીની લાઈનો સરકાર દ્વારા પહોચાડી દેવામાં આવી છે, તે વાત અમરાપર ગામમાં પણ સાચી ઠરે તેમ છે. જો કે, સરકાર દ્વારા પાથરવામાં આવેલા પાઈપમાં પાણી કયારે આવશે? અને આ ગામના રહેવાસીઓની વર્ષો જૂની પાણીની સમસ્યાને કાયમી ધોરણે કયારે ઉકેલવામાં આવશે ? તે સો મણનો સવાલ છે.

- text