લો પ્રેસર સમસ્યા નિવારવા ગાળાથી પીપળી સુધીની ગેસ પાઇપલાઈનની 70 ટકા કામગીરી પૂર્ણ

- text


ગુજરાત ગેસ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે 20 લાખ યુનિટની કેપેસિટીની નવી પાઇપલાઈન નાખશે

પીપળી રોડ, જેતપુર રોડ સહિતના તમામ સિરામિક એકમોને લાભ

મોરબી : છેલ્લા એકાદ માસથી મોરબીના પીપળી રોડ સહિતના વિસ્તારમાં સિરામિક એકમોને લો પ્રેસરથી ગેસ મળવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગુજરાત ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે ગાળા ટર્મિનલથી પીપળી રોડ સુધી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવો છે અને હાલમાં 70 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું ગુજરાત ગેસના સંતોષ ઝોપેએ સતાવાર રીતે જણાવ્યું હતું.

સિરામિક હબ મોરબીમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્લાન્ટ ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા અચાનક જ ગુજરાત ગેસ દ્વારા પૂરો પાડવામાં આવતા નેચરલ ગેસની ડિમાન્ડમાં ઉછાળો આવતા છેલ્લા એકાદ માસથી લો પ્રેસરની સમસ્યા સર્જાઈ હતી જેને પગલે ગુજરાત ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે ગાળા ટર્મિનલથી મોરબીના પીપળી રોડ સુધી વધારાની પાઇપલાઈન બિછાવવાની કામગીરી હાથ ધરી સિરામિક ઉદ્યોગને પડતી મુશ્કેલી નિવારવા પ્રયાસ શરૂ કરાયો છે.

આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં લો પ્રેસરની સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં ગુજરાત ગેસ કંપની દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અન્વયે દિવસ – રાત કામગીરી ચાલી રહી છે અને ખાસ મશીન દ્વારા વચ્ચે આવતી નદીમાંથી પણ પાઇપલાઇન પસાર કરી દેવામાં આવી છે અને હાલમાં 70 ટકા કામગીરી પૂર્ણ થઈ છે જે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક એકમોની માંગને ધ્યાને લઇ નેચરલ ગેસના સતત અને કાયમી પુરવઠો જળવાઈ રહે તે હેતુથી ટુંક સમયમાં જ 20 લાખ યુનિટની કેપિસિટી વાળો પ્લાન્ટ ઉભો કરી મોરબીના પીપળી રોડ, ઘૂટુ રોડ, જેતપર રોડ સહિત તમામ વિસ્તારને આવરી લેતી લુપ પાઇપલાઇન બિછાવવાના પ્રોજેકટ શરૂ કરવામાં આવશે.

દરમિયાન લો પ્રેસરની સમસ્યા બાદ મોરબી સિરામિક ઉદ્યોગની માંગ મુજબ હાલમાં ડિમાન્ડ મુજબ વાલ્વ ખોલી નાખવામાં આવ્યા હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે પાછલા દિવસોમાં 80 જેટલા વાલ્વ ખોલી નાખવામાં આવ્યા છે અને ગાળાથી પીપળી સુધીની પાઇપલાઇન માટે રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નેચરલ ગેસની ખપત મોરબીમાં હોય અચાનક વધેલી નેચરલ ગેસની માંગને પહોંચી વળવા ગુજરાત ગેસના સીઈઓ નીતિન પાટીલ પણ સતત મોરબીમાં હાજર રહી તેમની દેખરેખ હેઠળ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝની સમસ્યા નિવારવા સક્રિય બન્યા છે.

- text

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં નેચરલ ગેસ સપ્લાયમાં લો પ્રેસરને લઈ ઉદ્યોગકારો ખૂબ જ સહયોગ આપી રહયા છે અને હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહેલ પાઇપ બિછાવવાની કામગીરીમાં દરેક સિરામિક એકમના સભ્યો સતત સાઇટ ઉપર હાજર રહી શ્રમિકોને ચા-નાસ્તો, ઠંડા પીણાં સહિતની સુવિધા આપી કામગીરીમાં સહયોગ આપી રહયા છે.

બીજી તરફ ગુજરાત ગેસ દ્વારા કંપની દ્વારા હાલના તબક્કે 20 ટકા વપરાશ કાપ લાદવામાં આવ્યો છે જેમાં પણ મોરબી સિરામિક એસોશિએશન અને સિરામિક એકમો સહયોગ આપી રહ્યા હોવાનું અને ઉદ્યોગકારોને તમામ સમસ્યા માટે કંપનીના સીઈઓ નીતિન પાટીલ ફેસ ટુ ફેસ ઉદ્યોગકારો સાથે મિટિંગ કરી રહયા હોવાનું સતાવાર રીતે જાહેર કરાયુ છે.

જો કે, કોલગેસ પ્લાન્ટ અચાનક જડબેસલાક બંધ થતાં સ્વાભાવિક રીતે જ નેચરલ ગેસની માંગમાં વધારો થાય તે હકીકત વચ્ચે ગુજરાત ગેસ કંપની સત્વરે સિરામિક ઉદ્યોગની સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી હોવાનું ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે.

- text