આંનદો !! મોરબીના સીરામીક ઉદ્યોગને એસ્સાર ગેસ પુરો પાડશે

- text


 

ગુજરાત ગેસની મોનોપોલી તોડવા એસ્સાર મેદાને: સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસની તુલનાએ સસ્તો ગેસ અપાશે: સર્વે ચાલુ

મોરબી: સિરામીક હબ મોરબીમાં હવે ટુંક સમયમાં જ એસ્સાર કંપની દ્વારા નેચરલ ગેસ પુરો પાડવા તખ્તો ઘડી કઢાયો છે આજે એસ્સારના અધિકારીઓની ટીમ સર્વે માટે મોરબીની મુલાકાતે પણ આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબીના સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની નેચરલ ગેસ પુરો પાડે છે પરંતુ કોઇ હરીફ ન હોવાથી કંપનીની મનમાની સામે સિરામીક ઇન્ડસ્ટ્રીઝને હેરાનગતિ ભોગવવી પડી રહી છે ત્યારે એસ્સાર દ્વારા સસ્તો ગેસ પૂરો પાડવા તૈયારી શરૂ કરાતા ઉદ્યોગકારોમા આશા જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામીક ઉદ્યોગની ગેસ ડિમાન્ડને જોતાં એસ્સાર કંપની દ્વારા નેચરલ ગેસ પુરો પાડવા તૈયારી શરૂ કરી છે આ માટે આજે એસ્સાર કંપનીના અધિકારીઓની ટીમ મોરબીની મુલાકાતે આવી હતી. વધુમાં એસ્સાર દ્વારા મોરબીના સિરામીક ઉદ્યોગને ટેન્ક મારફતે ગેસ પુરો પાડવાનું પ્લાનીંગ કરાયું છે હાલમાં વેસ્ટ બેંગોલ અને ગુજરાતના મહેસાણામાં કંપની દ્વારા ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે આજે એસ્સાર ગેસના શ્યામ બાગરોડિયા સહિતના અધિકારીઓ દ્વારા જુદા જુદા વિસ્તારની મુલાકાત પણ લેવામાં આવી હતી.

હાલમાં સિરામીક હબ મોરબીમાં 700થી વધુ સિરામીક એકમો આવેલા છે તેઓને દૈનિક લાખો કયુબીક મીટર નેચરલ ગેસની જરૂરિયાત રહે છે હાલમાં ગુજરાત સરકારના જ જાહેર સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામીક ઉદ્યોગને પાઇપ લાઇન મારફતે નેચરલ ગેસ પુરો પાડવામાં આવે છે પરંતુ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશથી ઇંધણ તરીકે વપરાતો કોલગેસ સદંતર બંધ થઇ જતાં નેચરલ ગેસની ડિમાન્ડમાં જબ્બર ઉછાળો આવતાં ગુજરાત ગેસ કંપની સિરામીક ઉદ્યોગને ગેસ પુરો પાડવામાં પાછી પડી રહી છે. એવા સંજોગોમાં એસ્સાર કંપની દ્વારા ગુજરાત ગેસની તુલનાએ સસ્તો ગેસ આપવા પ્લાનિંગ કરાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

દરમિયાન મોરબી સિરામીક એસો.ના પ્રમુખ નિલેશભાઇ જેતપરિયાનો સંપર્ક કરતાં તેઓએ એસ્સાર ગેસ કંપની દ્વારા મોરબીના સિરામીક ઉદ્યોગને ગેસ પુરો પાડવા માટે તૈયારી શરૂ કરી હોવાની વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે એસ્સાર કંપની દ્વારા આ અગાઉ પણ એક વખત સર્વે થઇ ચુકયો છે અને ફરી વખત કંપની દ્વારા મોરબીના સિરામીક ઉદ્યોગની જરૂરિયાતને ધ્યાને લઇ નેચરલ ગેસ પુરો પાડવા તૈયારી શરૂ કરી છે. જે ખરેખર આવકારદાયક છે.વધુમાં તેમને ઉમેર્યું હતું કે, હાલના સમયમાં મોરબીના અનેક પોકેટમાં લોપ્રેશરની સમસ્યા સર્જાઇ છે ત્યારે જો એસ્સાર જેવી કંપની આ ક્ષેત્રમાં આવે તો ચોકકસ પણે મોરબીના સિરામીક ઉદ્યોગને ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે મોરબીની સિરામીક ઇન્ડસ્ટ્રીઝ ઇંધણ તરીકે એક માત્ર ગુજરાત ગેસ ઉપર જ આધારીત છે. હવે અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી ત્યારે જયાં સુધી નવી પાઇપલાઇન નહીં બીછાવાય ત્યાં સુધી સિરામીક ઉદ્યોગકારોને કંપનીની મનમાની સહન કરવી પડે તેવી સ્થિતી વચ્ચે હાલમાં દરેક ઉદ્યોગકાર પર 20 ટકા કાંપ ઝિંકવામાં આવ્યો છે અને જો કોઇ ઉદ્યોગકાર આ 20 ટકા કાંપના નિયમનું ઉલ્લંઘન કરે તો તેઓનું કાયમી કનેકશન રદ કરવાનો પણ ફતવો બહાર પડતાં ઉદ્યોગકારો ગુજરાત ગેસની નિતી રિતીથી નારાજ છે.

આ સંજોગોમાં એસ્સાર કંપની દ્વારા મોરબીના સિરામીક ઉદ્યોગને નેચરલ ગેસ પુરો પાડવા માટે તૈયારીનો ધમધમાટ શરૂ થતાં ઉદ્યોગકારોમાં હાશકારો થવાની આશા જાગી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text