મોરબી જિલ્લામા આજ સાંજથી પ્રચારના ભૂંગળા પડશે શાંત

 

બહારના તમામ નેતાઓને આજે સાંજે ૫ વાગ્યે મત વિસ્તાર છોડી દેવાનો આદેશ

મોરબી : મોરબી જિલ્લામા આગામી તા. ૨૩ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે આજે સાંજે ૫ વાગ્યાથી પ્રચારના ભૂંગળા બંધ થઈ જવાના છે. ઉપરાંત સાંજે ૫ વાગ્યા સુધીમાં બહારના તમામ નેતાઓને મત વિસ્તાર છોડી દેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

મોરબી સહિત રાજ્યભરમાં તા. ૨૩ના રોજ મતદાન પ્રક્રિયા યોજાવાની છે. સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થયાને ૪૮ કલાક પૂર્વે જાહેર પ્રચાર – પ્રસાર બંધ કરવાનો હોય છે. તેમજ બહારના નેતાઓએ મત વિસ્તાર છોડવાનો હોય છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે પણ જાહેરનામુ પ્રસિદ્ધ કરીને આજે રવિવારે સાંજે ૫ વાગ્યે પ્રચારના ભૂંગળા બંધ કરી દેવા તેમજ બહારથી પ્રચાર અર્થે આવેલા રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનોને મત વિસ્તાર છોડી દેવાનો આદેશ કરવામા આવ્યો છે.