મોરબી : આરટીઇ હેઠળ શાળા પ્રવેશ માટે અરજીની મુદત ૨૫ એપ્રિલ સુધી લંબાવાઇ

તમામ રિસીવિંગ સેન્ટરોમાં ૨૬ એપ્રિલ સુધી ફોર્મ સ્વીકારાશે

મોરબી : મોરબીમાં આરટીઇ હેઠળ શાળા પ્રવેશની અરજીની પ્રક્રિયા ચૂંટણીના કારણે લંબાવવામાં આવી છે. જેથી હવે ઓનલાઈન અરજી તા. ૨૫ એપ્રિલ સુધી ચાલુ રહેશે. રિસીવિંગ સેન્ટરો ખાતે ફોર્મની નોંધણી તા. ૨૬ એપ્રિલ સુધી કરાવી શકાશે.

મોરબી જિલ્લામા રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં બાળકોના પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીની પ્રક્રિયા તા. ૧૫મીએ પૂર્ણ થઈ ગઈ હતી. જો કે છેલ્લા ઘણા દિવસોથી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે આવકના દાખલા કઢાવવામા વિલંબ થઈ રહ્યો હોવાની ફરિયાદો મળતા શિક્ષણ વિભાગ દ્વારા અરજી પ્રક્રિયાની મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે હવે તા. ૨૫ એપ્રિલ સુધી આરટીઇ હેઠળ ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે તા. ૨૬ એપ્રિલ સુધી રિસીવિંગ સેન્ટરો ખાતે અરજીની નોંધણી કરાવી શકાશે.

ઉલ્લેખનિય છે કે મોરબી જિલ્લામા કુલ ૮ રિસીવિંગ સેન્ટરો કાર્યરત છે. જેમાં મોરબીમાં ૩, વાંકાનેરમા ૨, ટંકારામાં ૧, માળિયામાં ૧ અને હળવદમા ૧ સેન્ટર છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં આરટીઇ હેઠળ ૫૮૫૭ ઓનલાઈન અરજીઓ થઈ છે. જેમાની ૪૪૮૫ અરજીઓની રિસીવિંગ સેન્ટરોમા નોંધણી પણ થઈ ચૂકી છે. તેમ શિક્ષણ વિભાગના અધિકારી અશોક વડાલીયાએ જણાવ્યું હતું.