ભાજપના અમિત શાહ અને જીતુ વાઘાણીના ઈશારે મારા ઉપર હુમલો : હાર્દિક

- text


કોંગ્રેસને મત આપી હુમલાનો બદલો લેવા પાટીદાર સમાજને આહવાન 

ઇવીએમમા ભાજપની ગોલમાલ અટકાવવા કોંગ્રેસના પોલિંગ એજન્ટને સવારે છ વાગ્યે પહોંચી જઈ મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી સતર્ક રહેવા હાર્દિકની ટકોર

મોરબી : સુરેન્દ્રનગરના બલદાણામા આજે સવારે હુમલો થયા બાદ પાટીદાર યુવાનોના માનીતા નેતા હાર્દિક પટેલે સાંજે મોરબીમાં હકડેઠઠ જનમેદનીને સંબોધી ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, માર ઉપર અમિત શાહ અને જીતુ વાઘાણીના ઇશારે હુમલો થયો છે અને આ હુમલાનો જવાબ આપવા આપ સૌ કોંગ્રેસ તરફી મતદાન કરી હુમલાનો બદલો લો તેવી અપીલ પણ કરી હતી.

આજરોજ મોરબીના બાપાસીતારામ ચોક ખાતે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લાલિતભાઈ કાગથરા અને કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર નરેશ મહેશ્વરીના સમર્થનમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પાટીદાર સમાજના યુવાનેતા હાર્દિક પટેલની જન આક્રોશ સભા યોજાઈ હતી.

હૈયે – હૈયું દળાય તેવી સ્વયંભૂ જનમેદનીને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આજે મારા ઉપર ભાજપે હુમલો કરાવ્યો છે તેનું કારણ કઈક અલગ જ છે, આજે દિલ્હીમાં અમિત શાહના બેન્ક કૌભાંડ ખોલવા કપિલ સીબલજીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હોય કૌભાંડો બહાર આવવાથી ડરી ગયેલ અમિત શાહ અને ભાજપે પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા મારા ઉપર હુમલો કરાવ્યો છે.

વધુમાં મોરબીની જનઆક્રોશ સભાને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં હું ચોક્કસથી ચૂંટાઈ ને આવીશ અને મોરબીના પાયાના પ્રશ્ન હોય કે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો હોય, હું ચોક્કસ પણે આ પ્રશ્નો ઉકેલીશ અને એ પણ ભાજપની જેમ પાર્ટી ફંડ માંગ્યા વગર, હાર્દિક પટેલે મોરબીના સિરામિક ઉદ્યોગ પાસેથી પાર્ટી ફંડના નામે ઉઘરાવાતા નાણા મામલે આ તકે માર્મિક ટકોર કરી હતી.

વધુમાં હાર્દિક પટેલે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ઉપર આકરા ચાબખા વિંઝતા કહ્યું હતું કે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય અને સાંસદોને મોદી – શાહ પટ્ટાવાળા સમજે છે. ઉપરાંત જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલે પોતાનાં ઉપર થયેલ હુમલાનો ભાજપને જડબાતોડ જવાબ આપવા ૨૩ એપ્રિલે લોકોને કોંગ્રેસ તરફી પ્રચંડ મતદાન કરવા પણ આહવાન કર્યું હતું.

આ તકે હાર્દિક પટેલે આક્રોશ સાથે પાટીદાર યુવાનોની શહીદી પર રાજકારણ રમતા ભાજપના નેતાઓ જવાબ આપતા જણાવ્યું હતું કે જો હું પાટીદાર યુવાનોના મોત માટે જવાબદાર હોવ તો ૨૦૦૨મા ગોધરા કાંડ વખતે માર્યા ગયેલા કાર સેવકો માટે મોદી જવાબદાર છે.

પાસ સમિતિ ખુલ્લેઆમ કોંગ્રેસ સાથે હોવાનું જણાવી અંતમાં હાર્દિક પટેલે આગામી ૨૩ એપ્રિલ કોંગ્રેસના તમામ પોલિંગ એજન્ટોને સવારે છ વાગ્યામાં મતદાન મથકે પહોંચી જવા અને મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી મતદાન મથક ન છોડવા હાકલ કરી કહ્યું હતું કે આમાં જરા પણ ન ચૂક કરતા નહિ તો આ ભાજપ વાળા ઇવીએમમાં ગરબડી કરી જશે.

- text

- text