મોરબીમાં કરોડોનું ફુલેકુ ફેરવનારનો અન્ય ગુના સબબ જેલમાંથી કબજો લેતી વાંકાનેર પોલીસ

 

અમદાવાદના ઠગ સામે વાંકાનેરમા રહેતા તેના સબંધીએ જ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર : મોરબીમા કરોડોનું ફુલેકુ ફેરવીને અમદાવાદના શખ્સે અનેક લોકો સાથે છેતરપીંડી આચરી હતી. જો કે આ જ શખ્સ સામે વાંકાનેરમા રહેતા તેના જ સબંધીએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે શખ્સનો જેલમાંથી કબજો મેળવીને રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ અમદાવાદમાં રહેતા મુકેશ જેઠાભાઈએ તેમની પત્ની હંસાબેન, દીકરી પૂજાબેન અને દીકરો નિસર્ગ ઉર્ફે રાજા સાથે મળીને મોરબીમાં અનેક લોકોને વિશ્વાસમા લઈને જાત જાતના પ્રલોભનો આપીને કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હતી. જો કે આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી મુકેશને પકડીને જેલહવાલે પણ કર્યો હતો.

આ દરમિયાન વાંકાનેરમા રહેતા તેના જ સંબંધી નરભેરામ વાઘજીભાઈ વસીયાણીને ખરાબો નામે કરાવી આપવાની લાલચ બતાવીને રૂ. ૫ લાખની ઠગાઈ કરી હતી. આ અંગે નરભેરામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ આરોપી સામે ટ્રાન્સફર ઓર્ડર ઇસ્યુ કરાવીને મોરબી સબ જેલમાંથી તેનો કબજો મેળવ્યો છે. હાલ પોલીસ દ્વારા આ આરોપીની રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.