મોરબી જિલ્લામા ડુંગરીનું વાવેતર નહિવત, ખેડૂતો તલ અને શાકભાજી તરફ વળ્યા

- text


ગત વર્ષે કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા હવે આ વર્ષે લોકોને રડાવશે : બાજરી, મગ, મગફળી, અને ગુવારના વાવેતરમાં પણ ધરખમ ઘટાડો : જિલ્લાનુ કુલ ઉનાળુ વાવેતર ૨૦૦ હેકટર ઘટ્યું

મોરબી : મોરબીમાં ગત વર્ષ કરતા આ ઉનાળામાં પાકનું વાવેતર ૨૦૦ હેકટર ઘટ્યું છે. સમગ્ર જિલ્લામાં ડુંગળીનું વાવેતર નહિવત છે. જેથી જેમ ગત વર્ષે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા તેમ આ વર્ષે ડુંગળી લોકોને રડાવવાની છે. ઉપરાંત બાજરી, મગ, મગફળી, અને ગુવારના વાવેતરમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે. જ્યારે માત્ર તલ અને શાકભાજીના વાવેતરમાં જ વધારો થયો છે.

જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લામા વર્ષ ૨૦૧૮- ૧૯મા ઉનાળુ પાકનું કુલ ૨૪૨૯ હેકટર વાવેતર નોંધાયું છે. જેમાં મોરબીમાં ૧૪૯, માળિયામા ૦, વાંકાનેરમાં ૫૨૫, ટંકારામાં ૯૨ અને હળવદમાં ૧૬૬૩ હેકટર જમીન ઉપર પાકનું વાવેતર થયું છે. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮ મા ઉનાળુ પાકનું વાવેતર મોરબીમા ૨૧૦, માળિયામા ૭૩, વાંકાનેરમાં ૬૫૦, ટંકારામા ૨૮૫ અને હળવદમા ૧૪૧૦ હેકટર મળીને કૂલ ૨૬૨૮ હેકટર થયું છે. આમ ગત વર્ષ કરતા જિલ્લામા વાવેતર અંદાજે ૨૦૦ હેકટર ઘટ્યું છે.

મોરબી જિલ્લામા ગત વર્ષે ડુંગળીનું ૧૩૯ હેકટરમાં વાવેતર થયું હતું. પરંતુ ગત વર્ષે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. આમ ગત વર્ષે કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા હોવાથી ખેડૂતોએ આ વર્ષે તેનું વાવેતર કરવાનું જ ટાળ્યું છે. જેના કારણે મોરબી જિલ્લામા ડુંગળીનું વાવેતર નહિવત છે. હાલ મોરબી જિલ્લામા ડુંગળીનું વાવેતર જ ન થયું હોવાથી તજજ્ઞોના મતે ગત વર્ષે જેમ ખેડૂતોનો રોવાનો વારો આવ્યો હતો. તેમ આ વર્ષે કસ્તુરીના ભાવ આસમાને પહોંચતા લોકોનો રોવાનો વારો આવવાનો છે.

જિલ્લામા તમામ પાકના વાવેતરમા ઘટાડો નોંધાયો છે. માત્ર તલ અને શાકભાજીના વાવેતરમા જ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે તલનું ૩૩૮ અને શાકભાજીનું ૩૬૦ હેકટરમા વાવેતર થયું હતું. જ્યારે આ વર્ષે તલનું વાવેતર ગત વર્ષ કરતા બમણું થઈને ૬૦૮ હેકટરે પહોંચ્યું છે. શાકભાજીનું વાવેતર પણ વધીને ૪૬૯ હેકટરે પહોંચ્યું છે.

તલ અને શાકભાજી સિવાયના તમામ જેમકે બાજરી, મગ, મગફળી, અને ગુવાર સહિતના પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે બાજરી ૧૭૬, મગ ૬૮, મગફળી ૨૯૭ અને ગુવારનું ૩૦૦ હેકટરમા વાવેતર નોંધાયું હતું. જ્યારે આ વર્ષે બાજરી ૧૨૭, મગ ૧૫, મગફળી ૧૬૩ અને ગુવારનું ૧૩૦ હેકટરમાં વાવેતર નોંધાયું છે. આમ મોટાભાગના પાકનું વાવેતર ઘટ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬- ૧૭ના વાવેટરના આંકડા જોઈએ તો ત્યારે જિલ્લાનું કુલ વાવેતર ૭૫૧૫ હેકટર થયું હતું. જેમા ૪૨૬૫ હેકટરમાં તો માત્ર તલનું જ વાવેતર થયું હતું. જેની સાપેક્ષે આ ગત વર્ષે કુલ વાવેતર ઘટીને ૨૬૨૮ હેકટરે પહોંચ્યું હતું. આ જ રીતે આ વર્ષે પણ વાવેતર ઘટીને ૨૪૨૯ હેકટરે રહ્યું છે. આમ વાવેતરમાં વર્ષ ૨૦૧૬-૧૭થી સતત નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે.

ટંકારાની હાલત દયનિય : ગત વર્ષની સાપેક્ષે માત્ર ૩૨ ટકા જ વાવેતર

મોરબી જિલ્લામા પાક વાવેતર મુદ્દે ટંકારાની હાલત અતિ દયનિય છે. કારણકે ટંકારા તાલુકામાં ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે માત્ર ૩૨ ટકા જ વાવેતર થયું છે. ટંકારામા વર્ષ ૨૦૧૭-૧૮મા ઉનાળાની ઋતુમાં ૨૮૫ હેકટરમાં વાવેતર નોંધાયું હતું. જ્યારે આ વર્ષે ૨૦૧૮-૧૯માં માત્ર ૯૨ હેકટરમા જ વાવેતર થયું છે. નોંધનીય છે કે ટંકારા તાલુકામાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેના કારણે અનેક ખેડૂતોએ આ વર્ષે વાવેતર કરવાનું જ ટાળ્યું છે. આમ પાણીના પ્રશ્ને ખેડૂતો ખેતીથી અળગા રહ્યા છે. જેના કારણે વાવેતરમા ગત વર્ષની સાપેક્ષે મોટો તફાવત સર્જાયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text