વાંકાનેરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો : જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી

સમાજના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા “મહાપ્રસાદ લાડવા” નું વિતરણ કરવામાં આવ્યું

વાંકાનેરમાં આજે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની રંગેચંગે ઉજવણી કરીવામાં આવી હતી. જેમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

૮૪ લાખ યોનીમાં ભ્રમણ કરી રહેલાં જીવાત્માઓ, રાગ-દ્રેષ, વિષય-કષાય, મોહ-માયા, કામ-ક્રોધ, લોભ-લાલચમાં સંસારમાં ભટકી રહ્યા છે. દુઃખોની હારમાળા સર્જી રહેલાં આવા જીવનમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ ભગવાન મહાવીરના જૈનદર્શનમાં મળી રહે છે. ક્ષમાશીલતા અને નમ્રતા, તપશ્ચર્યા અને ત્યાગ, જિનભક્તિ અને આરાધનાએ ભગવાન મહાવીરને સર્વજ્ઞ તીર્થકરપદે બિરાજમાન કરી સંસારિક ભવાટવીમાંથી મુક્તિ આપી સિદ્ધશિલા પર આરોહિત કર્યા છે. જૈન શ્રાવકો-શ્રાવિકાઓ ભગવાન મહાવીરના જીવનમાંથી પ્રેરણા લઈ દર્શન, વંદન, પૂજન, સામાયિક પ્રતિક્રમણ, બારવ્રતોનું પાલન કરતાં આધ્યાત્મિક માર્ગે આગળ વધી કર્મનિર્જરા કરતાં કરતાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ની સાધના કરી સિદ્ધિપદને પામે એવા ભાવ સાથે ભગવાનની વાણી પોતાના સાંસારિક જીવનમાં ઉતારે એ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની સાચી ઉજવણી છે.

વાંકાનેરમાં દિગંબર જૈન સંઘની ભગવાન મહાવીરની પાલખી સાથે શોભાયાત્રા નીકળેલ જેમાં ચાંદીના પારણે ભગવાન મહાવીરને ઝુલાવી શ્રાવકો, શ્રાવિકાઓ તથા ૧૦ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં નીકળેલી બહોળી સંખ્યામાં જૈનોની શોભાયાત્રામાં “ત્રિશાલનંદન વીરની જય બોલો મહાવીરની”, “એક જન્મ્યો રાજદુલારો દુનિયાનો તારણહારો”, “જૈનમ જયંતી શાસનમં” ના ગગનભેદી નારા લગાવતાં આ શોભાયાત્રા વાંકાનેરની બજારોમાં નીકળી હતી. દેરાસરજી પહોંચેલી ભગવાન મહાવીરની પ્રતિમાજીને ૫ પોખણા કરી શ્રાવિકા બહેનોએ વધાવ્યા હતા.

ભગવાન મહાવીરની શોભાયાત્રામાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ દોશી, રાજુભાઈ મહેતા, મુકુંદભાઈ દોશી, નયનભાઈ દોશી, ભુપતભાઈ મહેતા, લલીતભાઈ મહેતા, અમિતભાઈ શાહ, નીલાબેન દોશી, જયશ્રીબેન દોશી, રેખાબેન મહેતા તેમજ સમગ્ર જૈન સમાજ તેમજ નવયુવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. જૈન યુવાનોએ જૈન વેશભૂષા દ્વારા શોભાયાત્રામાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.

તેમજ અજરામર એક્ટિવ અસોર્ટ ગૃપ દ્વારા જૈન ધર્મના પ્રચારક તીર્થકર મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ચાવડી ચોક ખાતે “મહાપ્રસાદ લાડવા” નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news