વાંકાનેર બાઉન્ડ્રી નજીક રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત : એકનું ઘટનાસ્થળે મોત

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસે જુના બામણબોર હાઇવે ઉપર રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા રિક્ષાચાલક યુવાનનું મોત થયું હતું મૃતક યુવાન તેના બહેન અને ભાણેજોને મુકવા નવાગામ જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો મહિલા અને તેના બે બાળકોને ઇજા થતા સારવાર અર્થે કુવાડવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામના અને રીક્ષા ચલાવી પરિવારનું ભરણ પોષણ કરતા હરજીભાઇ તેજાભાઈ મેર નામનો યુવક ચોટીલાના નવાગામ રહેતા તેના બહેન વિજુબેન કિશોરભાઈ બાવળીયા તેનો દીકરો દિનેશ અને દીકરી પુરીબેનને પોતાની રિક્ષામાં બેસાડી નવાગામ મુકવા માટે જતા હતા ત્યારે જુના બામણબોર હાઇવે ઉપર પહોંચતા ઇકો કારના ચાલકે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાચાલક યુવક અને મુસાફરો બહેન-ભાણેજો ફંગોળાઈ ગયા હતા અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા જો કે રિક્ષાચાલક હરજીભાઈનું ઘટનાસ્થળે બહેનની નજર સામે જ મોત નીપજ્યું હતું જયારે મહિલા અને તેના બે બાળકોને ઇજા થતા કુવાડવા હોસ્પિટલે ખસેડ્યા હતા.ઘટનાને પગલે ઇકો કારનો ચાલક દોષલીધુનાનો શખ્સ કાર મૂકી નાસી છૂટ્યો હોય બામણબોર પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.