મોરબી : ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ બહારના નેતાઓએ મત વિસ્તાર છોડી દેવા ફરમાન

મોરબી : મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. માકડીયાએ તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઇનો મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ લોકસભા મતદાર વિભાગમાં ચૂસ્ત પણે અમલ થાય તે માટે જિલ્લા તમામ મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થાય તે પછી સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓને મત વિસ્તાર છોડી દેવા ફરમાવ્યું છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યાં પ્રમાણે મોરબી જિલ્લામાં ચૂંટણીઓ મુકત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, લોકો કોઇપણ પ્રકારના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને ભારતના ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સુચનાઓની ચુસ્ત અમલવારી થઇ શકે તે માટે મોરબી જિલ્લાના સમગ્ર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના લોકસભા મતદાર વિભાગોમાં બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા. ૨૧/૦૪/૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા પછીથી તાત્કાલીક ધોરણે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગો છોડી જતા રહેવુંઆ જાહેરનામાની અમલવારી સુનિશ્ર્ચિત કરવા મોરબી જિલ્લા, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તંત્ર તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા સાર્વજનિક સભા ખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીશી અને અતિથિગૃહોની ઘનિષ્ટ તપાસણી કરી તથા મતદાર વિભાગની હદમાં તપાસ, નાકા ઉભા કરવા અનેબહારથી આવતા વાહનોની અવર-જવર પર દેખરેખ અને તપાસ રાખી ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલ કોઇ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહિ હોવાની ખાતરી કરવામાં આવશે. જો રાજકીય પક્ષના રાજય કક્ષાના ઇનચાર્જ પદાધિકારીઓ રાજયના હેડ કવાર્ટરમાં રોકાવાના હોય તો તે સ્થળ જાહેર કરવાનું રહેશે. તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવક જાવક કરી શકશે.