વાંકાનેરના સુપ્રસિદ્ધ ગાયત્રી શક્તિપીઠનો આજે 27મો પાટોત્સવ ઉજવાયો

શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ના 27 માં પાટોત્સવ પ્રસંગે સવારે પાંચ વાગ્યે સ્થાપિત દેવતાઓનું પૂજન બાદ નવ કુંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થયેલ બપોરે યજ્ઞ પૂર્ણાહૂતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ

વાંકાનેર : વેદમાતા ગાયત્રીના આશીર્વાદ અને દાતાઓના સહયોગથી ગાયત્રી શક્તિ પીઠમાં ધર્મ ભક્તિ સાથે વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શ્રી ગાયત્રી મંદિરની બાજુમાં રાજ પરિવાર દ્વારા દાન સ્વરૂપે મળેલ જગ્યામાં સુંદર સ્કૂલ બિલ્ડીંગ ઉભું કરી તેમાં મંદિરની આસપાસમાં વસતાં પછાત અને શિક્ષણથી દૂર રહેતાં પરિવારના બાળકોને સમજાવી સ્કૂલમાં ફ્રી (મફત) શિક્ષણ સાથે સ્કૂલ ડ્રેસ, પાટી-પેન, નોટબુક અને સ્કૂલના પુસ્તકો પણ આ સંસ્થા દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. આ વિસ્તારના ૪૦૦ થી વધુ બાળકો નિ:શુલ્ક શિક્ષણનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે સાથોસાથ મહિલાઓ અને દીકરીઓને પણ પગભર બની શકે તે માટે મિલ પ્લોટ અને કુંભારપરા જેવા પછાત વિસ્તારમાં આ સંસ્થાને મળેલી જગ્યામાં સીવણ ક્લાસ શરૂ કરી અને બહેનો શિવણની તાલીમ લઇ પોતાના પરિવારના નિભાવ ખર્ચમાં મદદરૂપ બની રહી છે.

બાલ વાત્સલ્ય મંદિરના નામે સુંદર શાળા નિર્માણ પામી આજે આ શાળામાં સમગ્ર વાંકાનેર શહેરના માનસિક ક્ષતિગ્રસ્ત 50થી વધુ બાળકોને આ શાળામાં ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આવા માનસિક વિકલાંગ બાળકોને મંદિરના સ્કૂલ વાહન દ્વારા તેના ઘરેથી સવારે લઈ આવી બપોરે ભોજન નાસ્તા સાથે નિત્ય સમય સુધી તેને કાલીવાલી ભાષા સાથે પાંચ બહેનો આ બાળકોને યોગ્ય જ્ઞાન આપી પરત સ્કૂલ વાહનમાં તેમના ઘરે પહોંચાડવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા મંદિરની બાજુમાં જ સુંદર ગૌશાળા બનાવી તેમાં નિયમિત ગૌસેવા મંદિરના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ન દાન મહાદાન ના સૂત્રને ધ્યાનમાં રાખી અને સક્ષમ દાતાઓના આર્થિક સહયોગથી વાંકાનેરના પ્રતાપ ચોક પાસે સંસ્થાને દાનમાં મળેલ મકાનમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ છે જેમાં અશકત અને દવાખાના દર્દીઓ અને દર્દીઓના સગાં વ્હાલાઓને તેમના ઘર કે હોસ્પિટલ સુધી નિયમિત ટિફિન સેવા થકી ભોજન પ્રસાદ પહોંચાડવાની પણ સુંદર વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

હાલમાં આ અન્નપૂર્ણા ગૃહમાં 300થી વધુ લાભાર્થીઓ આ સેવાનો લ્હાવો લઇ રહ્યા છે અને ઘરે ઘરે ટીફીન પહોંચાડવા માટે માણસો પણ રાખવામાં આવ્યા છે. માત્ર ટોકન ભાવે ચાલતી આ સેવામાં દાતાઓનો સહયોગ મળતો રહે એ પણ જરૂરી હોય છે જો આપ પણ આ ટિફિન સેવામાં દાન આપવા માંગતા હોય તો વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલને તેમના મોબાઈલ નંબર 9825120978 પર સંપર્ક કરી શકો છો.