માળિયા નજીક ડમ્પર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત : મોરબીના ડ્રાઇવરનું મોત

માળિયા : માળિયાના સોનગઢ નજીક ડમ્પર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોરબીના ડમ્પર ચાલકનું મોત નીપજ્યું છે. બનાવ મામલે માળિયા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના સોનગઢ ગામ નજીક હાઇવે પર દહીંસરડા ગામના રમેશભાઈ રાજાભાઈ ઉ.વ. ૩૦ આરજે ૩2 જેસી ૧૭૨૦ નંબરનું ટ્રેઇલર લઈને જતા હતા. તે વેળાએ પાછળથી આવતા જીજે ૧૨ વીડબ્લ્યુ ૮૧૬૬ નંબરના ડમ્પરે પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પર ચાલક રાજેશભાઇ નાથાભાઇ ભીલ ઉ.વ. ૨૪ રહે. કાલિકા પ્લોટ, મોરબી વાળાને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું. બનાવ અંગે ટ્રેઇલર ચાલક રમેશભાઈએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.