૭૦ ટકા મત નહિ મળે તો મંડળી, બંડળી બધું’ય વઇ જાહે : સાંસદ મોહનભાઇની ઓડિયોક્લિપ વાઇરલ

મોરબી : લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો કાલાવાલા કરી મત અંકે કરવા પ્રયાસ કરતા હોય છે પરંતુ રાજકોટના સાંસદ અને ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા કોઈપણ ભોગે પ્રજાના મત મેળવવા ધમકી આપતા હોય એવી ઓડિયોક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ મોહનભાઇ કુંડારીયા હાલમાં પોતાના મતવિસ્તારમાં મત અંકે કરવા એડી ચોટીની તાકાત કામે લગાડી છે જેમાં ટંકારા તાલુકાના કોઠારીયા ગામ અને આજુઆજુના વિસ્તારમાં પોતાને મત મળે તે માટે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય નાનુભાઈ ડોડીયા નામના અગ્રણીને ફોન કર્યો હતો.

સાંસદ મોહનભાઈએ ફોન કરી જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડીયાને સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે આ વખતે મારે તમારા ગામમાંથી કોઈપણ સંજોગોમાં ૭૦થી ૭૫ ટકા મત નીકળવા જોઈએ નહિતર મંડળી બંડળી બધું’ય વઇ જાહે….

મોહનભાઈએ જિલ્લા પંચાયતના સદસ્ય અને સહકારી અગ્રણી નાનુભાઇને ફોનમાં ધમકાવતા સામે પક્ષે નાનુભાઈએ પણ સાંસદને મચક આપી ન હતી અને ખોટી ધમકી ન આપવા સાફ – સાફ શબ્દોમાં જણાવી દીધું હતું.

વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી મોહનભાઈની સિક્યોર સીટ ટંકારા – પડધરી વિધાનસભા બેઠક ૨૦૧૭માં મોહનભાઈની પુરી મહેનત છતાં કોંગ્રેસને ફાળે જતા લોકસભા ચૂંટણીમાં ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે ત્યારે મોહનભાઇના ધમકી ભર્યા ફોનની ઓડીઓ કલીપ વાયરલ થતા મતદારોમાં તરેહ તરેહની ચર્ચા ઉઠી છે.